ભાભરના ખારા ગામના વેટરનરી ડોક્ટર પોતાના વતન ભાભરના સનેસડા ગામે 7 જુલાઇને શુક્રવારે બહેનના આણાનો પ્રસંગ હોઇ આવ્યા હતા. ત્યારે ગુરુવારે રાત્રે ચાલુ વરસાદમાં રસોઇનું કામ ચાલું હતું તે સમયે પાણીની તરસ લાગતાં છત્રી લઇને પાણી પીવા જતાં છત્રી લોખંડની એંગલને અડી જતાં કરંટ લાગતા વેટરનરી ડોક્ટરનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં શોક છવાયો હતો.
ભાભરના ખારા ગામે વેટરનરી ડોકટર તરીકે સેવા આપતાં અનુપજી તખાજી ઠાકોર (ઉં.વ.32) ઘરે બહેનના આણાનો 7 જુલાઇને શુક્રવારે રોજ પ્રસંગ હોઇ પરિવાર સાથે પોતાના ગામ સનેસડામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે સવારે પ્રસંગમાં મહેમાન આવવાના હોઇ ગુરુવારે રાત્રિ દરમિયાન રસોઇનું કામ ચાલુ હતું તેમજ વરસાદ પણ ચાલુ હતો.
ત્યારે અનુપજી ઠાકોર છત્રી લઇને પાણી પીવા જતા છત્રી લોખંડની એંગલમાં જ્યાં કરંટ ઉતરેલો હતો તેને સ્પર્શી જતાં કરંટ આવતા સ્થળ પર બેભાન થઇ પડ્યા હતા. ખાનગી વાહનમાં ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.