ડીસાના બાઈવાડા ગામનો એક શખસ સગીરાને બીજીવાર ઉપાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામનો એક શખસ 16 વર્ષીય સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી એક મહિલા તેના પરિવાર સાથે રહે છે અને તેની સગીર વયની સોળ વર્ષીય દીકરી રોજ તેની પાસે સુતી હતી. ગત ત્રણ જુલાઈના રોજ રાબેતા મુજબ આ મહિલા પાસે ખાટલામાં તેની સગીર દીકરી સૂતી હતી. જ્યારે મોડી રાત્રે દીકરી તેના ખાટલામાં ન દેખાતા તેને આજુબાજુમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવેલ નહીં.

બીજા દિવસે સવારે આ મહિલાએ તેના સગા સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરી હતી, પરંતુ દીકરીની ક્યાંય ભાળ મળી ન હતી. તે દરમિયાન માધા ઉર્ફે મહાવીર શ્રવણભાઈ ઠાકોર નામનો યુવક છ મહિના પહેલા આ સગીરાને ભગાડી ગયો હતો. જોકે બાદમાં યુવકના પરિવાર સાથે સમાધાન થતાં દીકરી તેના ઘરે પાછી લાવ્યા હતા.

જેથી આ મહિલાને તેના પર શંકા જતા તે યુવકના ઘરે પહોંચી હતી. તે સમયે યુવકના પરિવારજનો બંનેની શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવી તેઓ મળી આવતા દીકરી તેમને સોંપી દેશે તેવી બાંહેધરી આપી હતી, પરંતુ અઠવાડિયા સુધી સગીરા મામલે કોઈ જ માહિતી ન મળતા આખરે મહિલાએ યુવક સામે લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.