ડીસાની રત્નાકર સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવેલા મોબાઈલ ટાવર સામે લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી મોબાઇલ ટાવર હટાવવા માટે રજૂઆત કરી છે.

ડીસાની રત્નાકર સોસાયટીના રહીશોએ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવેલા મોબાઈલ ટાવર દૂર કરવાની માગ કરી છે. રત્નાકર સોસાયટીમાં મુકેશ ઠક્કર નામના વ્યક્તિએ તેમના મકાન પર મોબાઈલ ટાવર લગાવ્યો છે. રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરતા રેડીએશનના કારણે ઉંમર લાયક લોકોને શારીરિક અને માનસિક નુકસાન થઈ શકે છે. તેમજ ક્યારેક બિપરજોય જેવા વાવાઝોડા કે ધરતીકંપમા ટાવર પડતા મોટી હોનારત પણ સર્જાઈ શકે છે. જે માટે સ્થાનિક રહીશોએ મુકેશને મોબાઈલ ટાવર હટાવવા માટેની વાત કરતા તેઓ ઉશ્કેરાઈ જઈ લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

જેથી રત્નાકર સોસાયટીના રહીશોએ ડીસા નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરતા હજુ સુધી મોબાઇલ ટાવર શરૂ કર્યો નથી, પરંતુ મોબાઈલ ટાવર ન હટાવતા આજે સ્થાનિક રહીશો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ટાવરને હટાવી લેવાની માગ કરી છે. જો મોબાઈલ ટાવર હટાવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી છે.