ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં "નારી વંદન ઉત્સવ" ની ઉજવણી માટે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી હતી.જે અંતર્ગત ૭ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રકાશભાઈ મકવાણા તેમજ પ્રોગ્રામ ઓફિસર શ્રી મીતાબેન ગઢવીની પ્રેરક ઉપસ્થિતિમાં વડનગર આંગણવાડી કેન્દ્ર નં-૧ ખાતે 'મહિલા અને બાળ આરોગ્ય દિવસ' કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને તેમજ સુપોષણ વિષય સંદર્ભે આરોગ્ય વિષયક માહિતી - માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આંગણવાડીનાં બહેનો દ્વારા THR કીટ માંથી બનાવેલ વાનગીઓનું ઉપસ્થિત મહાનુભાવોએ નિદર્શન કર્યું હતું. 

         આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.વઢવાણ સામૂહિક આરોગય કેન્દ્ર ખાતેના નિદાન કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.બી.જી ગોહિલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.તેમજ સાયલા તાલુકામાં કિશોરી તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

      કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ કલ્પના બેન, સદસ્ય હંસાબેન, આઇ.સી.ડી.એસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી- કર્મચારીઓ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

        અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા માટે રાજ્યભરમાં તા. ૧ થી ૭ ઓગસ્ટ વિવિધ થીમ અંતર્ગત નારી વંદન ઉત્સવની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ અંતર્ગત સુરેન્દ્રનગરમાં તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલાનેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસની થીમ સાથે નારી વંદન ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.