વડગામ તાલુકાના વરસડા ગામે દર્શન કરવા આવેલી એક પરિણીત વેવાણ ઉપર મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના જોરાપુરાના વેવાઇએ વર્ષ 2017માં છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
દરમિયાન આ કેસ પાલનપુરની બીજી એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે દુષ્કર્મી વેવાઇને 10 વર્ષની કેદ અને રૂ. 10,000ના દંડની સજા ફટકારી હતી.વડગામ તાલુકાના વરસડા ગામે તા. 3 જુલાઇ 2017ના રોજ પરિણીત મહિલા દર્શન કરવા આવી હતી. ત્યારે તેનો કૌટુમ્બિક વેવાઇ ખેરાલુ તાલુકાના જોરાપુરાનો સંજયભાઇ ગાંડાભાઇ દેવીપૂજક ત્યાં આવ્યો હતો. અને પોતાની પત્નિ બીજા મંદિરે ઉભી છે. તેમ કહી વેવાણને બાવળની ઝાડીમાં લઇ ગયો હતો.
જ્યાં એક હાથથી મોઢું દબાવી છરી કાઢી જો બુમો પાડીશ તો છરી પેટમાં મારીશ તેવી ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે તેની વેવાણે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે. એન. ઠક્કરે મદદનીશ સરકારી વકીલ દિનેશકુમાર એચ. છાપીયાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સંજય દેવીપૂજકને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.