પાટડી વર્ણીન્દ્રધામ ખાતે જિલ્લા પોલીસ દ્વારા ‘મારું ગામ, સલામત ગામ’ અંતર્ગત 153 ગામોના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લાના સરપંચોને માર્ગદર્શિત કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ભાગીદાર બનવા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીએસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ અને અનેક ગામોના સરપંચો ખાસ હાજર રહ્યાં હતા.ગામના પ્રથમ નાગરિક એવા સરપંચની પોતાના ગામની દરેક મુવમેન્ટ, મજૂરી અર્થે આવતા જતા માણસો ઉપર સીધી દેખરેખ હોય છે. જેમાં કેટલાંક ઇસમો મજૂરી કામના બદલે અન્ય જગ્યાએ ગુન્હાહિત પ્રવૃત્તિ કરી, મજૂરના વેશમાં અહીંના જિલ્લામાં આશ્રય મેળવતા હોવાનું અથવા અહીંના જિલ્લામાં થોડો સમય રહી ગુન્હાહિત કૃત્ય આચરી જતા રહેતા હોવાના પણ ઘણા બનાવો સામે આવે છે.જેથી આવી પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા સુરક્ષા સેતુ સોસાયટી આયોજિત મારું ગામ, સલામત ગામ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડ‍ા હરેશ દૂધાત, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એલસબી પીઆઇ સહિત તમામ પોલીસ મથકના પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ અને ધ્રાંગધ્રા તાલુકા, પાટડી, દસાડા, બજાણા અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા કુલ 153 ગામોના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પાટડી વર્ણીન્દ્રધામ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં દરેક ગામોના સરપંચોને ગામના કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ભાગીદાર બનવા, “મારૂ ગામ, સલામત ગામ” સૂત્રને સાર્થક કરવા શું કાર્યવાહી કરવી, ગામમાં ચોરી, લૂંટ કે અન્ય ગુન્હાઓ બનતા અટકાવવા કેવી તકેદારી રાખવી તે બાબતે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.તાલુકાના વણોદ, જૈનાબાદ અને દસાડા એમ ત્રણ ગામના સરપંચો દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી કે સ્વભંડોળથી ગામમાં પ્રવેશવાના તથા મુખ્ય રસ્તા, ચોક ખાતે સીસીટીવી કેમેરા કાર્યરત કરી ગામ ઉપર સર્વેલન્સ રાખવામાં આવતું હોય જે તમામ ગ્રામ પંચાયતના સરપંચોને જિલ્લા પોલીસ વડા હરેશ કુમાર દૂધાત દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.