પાલનપુર માહિતી કચેરી દ્વારા શ્રી નટુભાઇ પરમાર અને શ્રીમતી ઉષાબેન પાધ્યાનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો..
કચેરીના સ્ટાફ, ભૂતપૂર્વ અધિકારીશ્રી, પરિવારજ નો તેમજ પત્રકાર મિત્રો દ્વારા બંને ને ભાવસભર વિદાય આપવામાં આવી..
જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે લાંબો સમય અધિક્ષક તરીકે ફરજ બજાવી માહીતી કચેરી, હિંમતનગરથી સહાયક માહિતી નિયામક તરીકે વયનિવૃત થયેલ શ્રી નટુભાઇ પરમાર અને માહિતી કચેરી, પાલનપુરથી સહાયક અધિક્ષક તરીકે વયનિવૃત થનાર શ્રીમતી ઉષાબેન પાધ્યાનો વિદાય સમારોહ નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો..
આ પ્રસંગે પાલનપુર માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી અને કચેરીના કર્મચારીઓ દ્વારા શ્રીફળ- સાકર અને શાલ ઓઢાડી વિદાય લઈ રહેલ બંને કર્મચારીઓને સન્માન સાથે હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ શ્રી નટુભાઇ પરમાર અને શ્રીમતી ઉષાબેન પાધ્યાની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમની કામગીરીને બિરદાવી હતી. તેમજ તેમની સાથેના સરકારી સેવાના સંસ્મરણો વાગોળી તેમનું નિવૃત જીવન નિરામય અને સુખશાંતિથી પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમાર, પાલનપુર કચેરીના માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયક, સુપરવાઈઝર ગુલાબસિંહ રાજપૂત, ફેલો મુકેશ માળી તેમજ ભૂતપૂર્વ અધિકારી- કર્મચારીઓ અને સગા સંબંધીઓએ સંસ્મરણો વાગોળી તેમને ભાવભરી વિદાય આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર સબ એડિટરશ્રી રેસુંગ ચૌહાણે કર્યું હતું..
શ્રી નટુભાઇ પરમારે સરકારી સેવામાં તા.૧૩/૧૨/૧૯૮૫થી મહેસૂલ અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં તથા તા.૭/૧૦/૧૯૮૬થી માહિતી અને પ્રચાર એકમ ભિલોડાથી નોકરીની શરૂઆત કરીને ૧૬ વર્ષ જેટલાં લાંબા સમય માટે પ્રચાર એકમોમાં પોતાની સેવાઓ આપી છે. તેમણે ખેડબ્રહ્મા, પાટણ, મોડાસા, મહેસાણા, ગાંધીગનર અને પાલનપુરમાં સરકારી નોકરી દરમ્યાન સાથી કર્મચારીઓ અને મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન જાળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે. તો ઉષાબેન પાધ્યાએ પણ માહિતી ખાતામાં ૩૮ વર્ષની સુદીર્ઘ કાળ સુધી સેવાઓ આપી સહકર્મચારીઓ, પત્રકારમીત્રો અને મીડિયા મેનેજમેન્ટ અને વહીવટી કાર્યદક્ષતાથી સૌની સાથે સુમેળ ભર્યા સંબધો જાળવી રાખી એક આગવી છાપ છોડી છે..
આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, શ્રી કે.એસ.પટેલ, શ્રી ડી.પી.રાજપૂત, શ્રી એસ.એમ.પટેલ, શ્રી એસ.જી.પટેલ, શ્રી ડી.પી.પટેલ, શ્રી ડી.એમ.દવે તથા ભૂતપૂર્વ અધિકારીશ્રીઓ - કર્મચારીશ્રીઓ, જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પાટણ નો સ્ટાફ, પત્રકાર મિત્રો અને નટુભાઈ તેમજ ઉષાબેનના પરિવારજ નો અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા..
 
  
  
  
  
   
   
  