કોરોનાની સારવારમાં થયેલ ખર્ચના વીમા ક્લેમમાંથી વગર કારણે નાણાં કાપી લેનાર ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને બનાસકાંઠા ગ્રાહક અદાલતે લપડાક મારી બાકી રહેતી વીમા ક્લેમની રકમ 9% વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે.
ડીસાના જાણીતા વેપારી લક્ષ્મીનારાયણ અગ્રવાલ કોરોનાનો ભોગ બન્યા હતા અને કોરોનાની સારવાર પાછળ 5,05,004/- રૂપિયાની મોટી રકમનો ખર્ચ થયો હતો. ગ્રાહકે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા પાંચ લાખની મર્યાદામાં ઓરિએન્ટલ મેડીક્લેમ પોલીસી લીધેલ હોઇ ગ્રાહકે વીમા કંપનીનો સંપર્ક કરી વીમા કંપનીના જણાવ્યા મુજબના તમામ દસ્તાવેજો સાથે રૂપિયા પાંચ લાખનો ક્લેમ મુકયો હતો. વીમા કલેમ મળતાં વીમા કંપનીએ ગ્રાહકના ખાતામાં ₹3,60,761/- બારોબાર જમા કરાવી દીધેલ. વીમા ક્લેમની પૂરેપૂરી રકમ ન મળતા ગ્રાહકે વીમા કંપનીનો વારંવાર સંપર્ક કરી બાકી રહેતા વીમા ક્લેમના નાણા ચૂકવી આપવા વિનંતી કરેલી.
પરંતુ વીમા કંપનીએ કોઈજ વાત ન સાંભળતા ગ્રાહકે ગુજરાત રાજ્યની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખ અને જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેને મળી રૂબરૂ લેખિત ફરિયાદ આપેલી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં વીમા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
ચાલુ ફરિયાદે રજુ થયેલા દસ્તાવેજો અને સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર દલીલોને બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય બી. જે. આચાર્યની જ્યુરીએ માન્ય રાખી ગ્રાહક તરફથી ચુકાદો આપ્યો અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોવિડ 19 વાયરસ સંબંધિત વીમા કેસોની પતાવટ માટેની ગાઈડલાઈન જારી કરેલ છે અને તે મુજબ વીમા કંપની કોવીડ 19ની સારવાર માટે મેડીક્લેમ કાપી શકે નહીં અને જો કોવિડ 19ની સારવાર માટે થયેલ ખર્ચની રકમ કપાત કરવામાં આવે તો તે કાયદાના ભંગ સમાન હોવાનું ઠરાવી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતની જયુરીએ વીમા કંપનીને ₹1,39, 239/- રૂપિયા 9% વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે.