રાજ્યમાં જેમ જેમ વાહનો વધતાં જાય છે એમ એમ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ચાલકની એક ભૂલ આખા પરિવારનો માળો વિખેરી નાખે છે. આવી જ અકસ્માતની એક ઘટના સામે આવી છે બનાસકાંઠાના થરાથી,.જ્યાં રોંગ સાઇડે આવતા કારચાલકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો છે.
ડીસાના માણેકપુરા ગામે રહેતા વેરસીજી વરસંગજી ઠાકોર કાંકરેજ તાલુકાના રૂની ગામે ભાગિયા તરીકે કામ કરે છે. તેઓ પોતાના ગામે પરિવાર સાથે મકાનના કામ અર્થે આવ્યા હતા, જ્યાં કામ પતાવીને ગત રોજ રૂની જવા માટે બાઇક લઇને પત્ની અને પુત્રી સાથે જઇ રહ્યા હતા. ત્યારે વડા ગામ નજીક આવતા થરા તરફથી રોંગ સાઈડમાં આવતી સ્વિફ્ટ કાર નં(Gj-01-RU-9506)ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
કારે ટક્કર મારતાં 30 વર્ષીય વેરસીજી ઠાકોર, તેમનાં પત્ની ભાનુબેન ઠાકોર અને 6 વર્ષીય પુત્રી રાજલનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 200 મીટર જેટલા મૃતદેહો ઢસડાયા હતા. અકસ્માતની જાણ થરા પોલીસને થતાં મૃતદેહોને પીએમ માટે ખસેડીને મૃતકના પરિવારને જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પોલીસે કારચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારાં દંપતીને કુલ ત્રણ સંતાન છે. બે દીકરી અને એક દીકરો, જેમાં રાજલનું અકસ્માતમાં મોત થતાં હવે એક ભાઈ અને એક બહેને પોતાનાં માતા-પિતા અને એક બહેન ગુમાવતાં નોધારાં બન્યા છે.