સુરેન્દ્રનગરમાં ભાડાની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો શરૂ કરીને સ્થાનિક વેપારીઓને વિશ્વાસમાં લઈને રવિવારે રૂા.18.50 લાખના દાગીના સાથે રફુચક્કર થનારા પાંચ શખ્સો પૈકી પોલીસે ચારને ઝડપી લઈને તમામ મુદામાલ કબજે કર્યો હતો.દાહોદના વિજય અંબાલાલ સોની નામના શખ્સે ત્રણ મહિના પહેલા જવાહર ચોકમાં આવેલી ધર્મભકિત કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખીને વી.એન.જ્વેલર્સ નામથી સોના-ચાંદીના દાગીનાનો વેપાર શરૂ કર્યો હતો. તેણે ધર્મભકિત કોમ્પ્લેક્ષમાં જ સોનાના દાગીનાનુ ઘડતર કરતા રીતેષભાઈ ભરતભાઈ રોજાસરા, તેમજ સોનીનો ધંધો કરતા અન્ય દુકાનદારો અઝીમ શેખ બંગાલી, શબ્બીરભાઈ મલીક, અનીલભાઈ નરોત્તમદાસ વાગડીયા સાથે સોનાના દાગીનાની લે-વેચ કરીને નિયમીત પૌસા ચુકવી વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા.રવિવાર તા 25 જૂનના રોજ વિજય સોનીએ રીતેષભાઈને પોતાની દુકાને બોલાવીને બીજા વેપારીને માલ આપવાના બહાને રીતેષભાઈ પાસેથી 18 જોડી સોનાની બુટ્ટી તથા સોનાના પેન્ડલ સેટ જોડ નં 2 કિં.રૂ.2,00,000, શબ્બીરભાઈ મલીક પાસેથી રૂા.25,000ની કિંમતની સોનાની 180 ચુંક, અઝીમભાઈ પાસેથી રૂા.1,00,000 ની કિંમતના સોનાની ચેનના આંકડા નં 60 લીધા હતા. હિસાબ પછી આપવાનુ કહ્યું હોવાથી બપોરના ચાર વાગવા છતા વિજયભાઈએ હિસાબ ન આપતા રીતેષભાઈ તેમની દુકાને ગયા ત્યારે વિજય સોની તેના માણસો સાથે દુકાન બંધ કરીને જતો હતો.રીતેષભાઈએ તેમને ઉભા રાખવા બુમ પાડી છતાં તેઓ ઉભા ન રહેતા સફેદ કલરની કારમાં તેમના સાગરીતો સાથે બેસીને જતો રહ્યો હતો. આ વખતે તેમની દુકાનમાં હાજર અનીલભાઈ નરોત્તમદાસ વાગડીયા નામના વેપારીએ રીતેષભાઈને જણાવ્યું હતું કે, વિજય તેમની પાસેથી પણ સોનાના 18 ચેઈન કિં.રૂા.15,25,000ના લઈને બદલામાં નકલી સોનાના ત્રણ બિસ્કીટ આપી ગયો છે. રીતેષભાઈએ વિજયની ગાડીનો પીછો કર્યો પણ તે રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં તેનો મોબાઈલ નંબર પણ બંધ થઈ ગયો હતો.આથી રીતેષભાઈ રોજાસરાએ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસમાં દાહોદના વિજય અંબાલાલ સોની, અમદાવાદના જીજ્ઞોશ કિશોરભાઈ વાઘેલા, નવિન ગુલાબભાઈ પરમાર, દિપક મનહરલાલ ફિચડીયા, અને સૌરભભાઈ ભાવસાર સામે વેપારીઓના રૂા.18,50,000ના દાગીના લઈને છેતરપીંડી કરી રફુચક્કર થઈ જવા બદલ ફરીયાદનોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને ચાર આરોપીઓ વિજય સોની, નવિન પરમાર, જીજ્ઞોશ વાઘેલા અને સૌરભ ભાવસારને મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને પુછપરછ હાથ ધરી હતી.