ચોટીલા નજીક રૂા. 1400 કરોડના ખર્ચે 1025 હેક્ટરમાં બની રહેલ આંતરરાષ્ટ્રિય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયા બાદ વહીવટી ગુંચના કારણે એરપોર્ટનું આગામી 15 જુલાઈએ લોકાર્પણ થવાની સંભાવના નહિવત દેખાઈ રહી છે. બાંધકામની કામગીરી પુરી થઈ ગઈ છે પરંતુ એરપોર્ટના લાયસન્સમાં એકાદ મહિનો મોડું થાય તેવા અણસાર મળી રહ્યા છે.આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી આ નવા એરપોર્ટનો પ્રારંભ કરવા માટે 15 જુલાઈની ડેડલાઈન આપવામાં આવી છે. પરંતુ એરપોર્ટમાં કંઈકને કંઈક અડચણ આવ્યે જ રાખે છે. બાંધકામ, રન-વે સહિતની કામગીરી પુરી થતાં હવે ડીજીસીએ પાસે એરપોર્ટનું લાયસન્સ માંગવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ એમાં પણ વહિવટી અડચણ આવી હોય તેમ રાજકોટથી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ નહી થતા એરપોર્ટના સત્તાવાળાઓને દિલ્હી દોડી જવું પડયું હતું અને દિલ્હીથી જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે. હવે લાયસન્સ ફી માટે 15 લાખ રૂપિયા ભરવાની સૂચના મળે પછી એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, અને બાદમાં ડીજીસીએ કચેરીના અધિકારીઓનું ઈન્સ્પેક્શન ઉપરાંત સંભવત: આવતા મહિને લાયસન્સ મળી જાય તો મોટાં એર ક્રાફ્ટનું ટ્રાયલ લેન્ડિંગ વગેરે પ્રક્રિયાઓ થશે.હિરાસર એરપોર્ટને મોરબીના મચ્છુ ડેમમાંથી નર્મદાનું પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે 16 કિ.મી.ની પાઈપલાઈન મંજૂર કરવામાં આવી છે. તેમાંથી 12.3 કિ.મી.ની પાઈપલાઈન નખાઈ ગઈ છે. પરંતુ વાંકાનેરના જાલસીકા, વસુંધરા સહિત ત્રણ ગામોમાં આવેલી વનવિભાગની જમીનમાંથી પાઈપલાઈન પસાર થતી હોવાથી વનવિભાગની મંજૂરી માંગવામાં આવી છે. તે મંજૂરી ઘોંચમાં પડી ગઈ છે. આ મંજુરી માટે મોરબી કલેક્ટર દ્વારા એફ.આર.એ. નામનું સર્ટીફિકેટ રાખવું પડે જેમાં આ વિસ્તારમાં કોઈ આદિવાસી રહેતા નથી, વીડી નથી, માનવ જાનહાનીની શક્યતા નથી તેવુ સર્ટીફિકેટ આપવું પડે. વનવિભાગ પાસે મંજૂરી માટે રાજકોટ, મોરબી અને જૂનાગઢ થઈ ગાંધીનગર ફાઈલ પહોંચી છે પરંતુ હજુ સુધી તેની મંજુરી મળી નથી. મંજૂરી મળે પછી લાઈન નખાતાં આશરે એકાદ મહિનો પસાર થાય તેમ છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હિરાસર એરપોર્ટમાં પાણીની પાઈપલાઈન માટે ફાઈલ આગળ વધારવા માટે મંત્રીની ભલામણ કરાવવી પડે તેવી નોબત આવી છે. વનવિભાગની જમીનમાંથી પાઈપલાઈન કાઢવા માટે ફાઈલ અત્યાર સુધી ત્રણ જિલ્લામાં ફરી છે અને હવે ગાંધીનગર સુધી પહોંચી છે. ત્યારે ફાઈલને વનવિભાગના સચિવને ઝડપથી ક્લિયર કરવા મંત્રીની ભલામણ કરાવવા સરકારી અધિકારીઓએ નિર્ણય કર્યો છે.