પાવીજેતપુરમાં મેઘાની પધરામણી થતા કિસાનો નો પ્લાસ્ટિક, પતરા ખરીદવા બજારમાં ધસારો : ધીમીધાર થી વરસાદની શરૂઆત થતાં કિસાનોમાં આનંદ

      પાવીજેતપુરમાં મેઘા ની પધરામણી થઈ જતા ગામડામાં કિસાનો પોતાના કાચા મકાનો,અડારા તેમજ પાકને ઢાંકવા માટે પ્લાસ્ટિક,પતરા ની ખરીદી માટે પાવીજેતપુર નગરમાં દોડતા દેખાતા હતા. ચોમાસાની ધીમી ધારથી શરૂઆત થઈ જતા કિસાનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. 

    પાવીજેતપુર નગર તેમજ આજુબાજુ ગામડાઓમાં શનિવારે મળસ્કે મેઘાએ પધરામણી કરી દીધી છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ કિસાનો પોતાના ખેતરોમાં કાપેલા પાકને ઢાંકવા,પોતાના કૂવાઓ ઉપર લગાડેલા એન્જિનો ઢાંકવા, અડારા તથા કાચા મકાનોના છાપરાઓ ઉપર પ્લાસ્ટિક તેમજ પતરાઓ નાખવા માટે કિસાનો બજારોમાં ઉમટી પડી પ્લાસ્ટિક અને પતરાની ખરીદી કરતા નજરે પડતા હતા. ઈંટોના ભઠ્ઠા વાળાઓ એ પણ પોતાના ભઠ્ઠા ઢાંકવા માટે પ્લાસ્ટિક ની ખરીદી કરી હતી.

      પેહલાના સમયમાં નાળીયાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનું સ્થાન ગેલ્વેનાઈઝ તેમજ સિમેન્ટના પતારાઓ તથા પ્લાસ્ટિકે લઈ લીધું છે. ચોમાસા પૂર્વે જ લોકો ગેલ્વેનાઈઝ તેમજ સિમેન્ટ ના પતરા ઓ લઇ જઇ પોતાના મકાનો ઉપર નાખી દે છે.અને વરસાદની શરૂઆત થાય ત્યારે પ્લાસ્ટિક, પતરા ની ખરીદી માટે પણ લોકો બજારમાં દોડતાનજરે પડે છે.

          છેલ્લા કેટલાક દિવસથી વાવાઝોડાની સાથે વરસાદના ઝાપટા આવ્યા કરતા હતા પરંતુ શનિવારે મળસ્કે પાવીજેતપુર પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા અને ધીમીધાર થી વરસાદ ચાલુ રહેતા કિસાનોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. કીશાનો પોતાના ખેતરોમાં કપાસની વાવણીમાં લાગી ગયા છે.

       આમ, વરસાદનું આગમન થઈ ચોમાસાની શરૂઆત થઈ જતા કિસાનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તેમજ છાપરાઓ, પાણીના એન્જિનો તેમજ પોતાના પાકને ઢાંકવા માટે પાવીજેતપુર નગરમાં પ્લાસ્ટિક,પતરા ની ખરીદી માટે દોડી આવ્યા હતા. પ્લાસ્ટિક, પતરાની ગ્રાહકી બજારમાં દેખાતા વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.