પાવીજેતપુર તાલુકાના વડા તલાવ ગામેથી વેદિશી દારૂ સહિત ૬,૪૯,૬૯૬ ના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓ પકડાયા

          પાવીજેતપુર તાલુકા ના વડાતલાવ ગામે કાર તેમજ બાઈક ની પાયલોટિંગ સાથે વિદેશી દારૂની હેરફેર કરતા ત્રણ આરોપીઓને ૧,૩૪,૧૯૬/- ના વિદેશી દારૂ સહિત ૬,૪૯,૬૯૬/- ના મુદ્દામાલ સાથે પાવીજેતપુર પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ત્રણ આરોપી પોલીસને નિહાળી ભાગી જવામાં સફળ થયા હતા. 

              પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેતાવત પોતાના પોલીસ સ્ટાફ સાથે પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવ બનતા હોય, તેથી કરાલી થી બોડેલી તરફ જતા રોડ ઉપર વડાતલાવ ગામે મોર્ડન સ્કૂલ પાસે વાહન ચેકિંગ કરતા હતા તે સમયે એક સફેદ કલરની વગર નંબરની કાર તેમજ બાઈક આવતા, શંકા જતા પોલીસ તપાસ કરતી હતી તે સમયે કારમાંથી ઈસમો ભાગવા જતા પોલીસે દોડી એક ઈસમને પકડી લીધો હતો જ્યારે એક ઈસમ ભાગી જવામાં સફળ થયો હતો. વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કાર અને બાઈક દ્વારા પાયલોટિંગ કરવામાં આવતું હતું તેમજ તેની પાછળ ત્રણ મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી. તેથી પોલીસે કોર્ડન કરી આ બાઈક ચાલકોને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. કુલ છ આરોપીઓ માંથી ત્રણ આરોપીઓ પકડાઈ ગયા હતા જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 

             ત્રણ બાઈકો ઉપર બાંધેલા કંતાનના કોથળાને ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૧૧૬૪ જેની કુલ કિંમત ૧,૩૪,૧૯૬/- , એક કાર તેમજ ચાર બાઈકો ની કિંમત ૫ લાખ રૂપિયા, અંગ જડતી માંથી મળી આવેલ મોબાઈલ નંગ ૪ જેની કિંમત ૧૫,૫૦૦/- મળી કુલ ૬,૪૯,૬૯૬/- ના મુદ્દા માલ સાથે આરોપીઓ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોસલાભાઈ રાઠવા ઉ.વ.૨૬ રહે.એકલબારા તા.જી.છોટાઉદેપુર, રાજુભાઈ ઉર્ફે ટકલો ઉર્ફે રાજલા ખીમજીભાઈ રાઠવા (તડવલા) રહે.ઘોડા આંબા તા.કઠીવાડા જી.અલીરાજપુર,કિશનભાઈ મનજીભાઈ ભૈડીયા રહે.ઝડુલી વેલાર ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સેવલાભાઈ રજીયાભાઈ તોમર રહે. ઝડુલી તા.કઠીવાડા જી.અલીરાજપુર તેમજ અન્ય બે બાઈક ચાલકો જેના નામ ઠામની ખબર નથી તેવા મળી કુલ ત્રણ આરોપીઓ ફરાર થઈ જવા પામ્યા છે. 

         આમ, પાવીજેતપુર પોલીસે ત્રણ આરોપીઓને વિદેશી દારૂ સહિત ૬,૪૯,૬૯૬ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થવામાં સફળ થયા છે.