કડી શહેર તેમજ તાલુકાની અંદર તસ્કરોનો તરખાટ હજુ પણ જોવા મળી રહ્યો છે અને બેફામ ચોરી કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે તસ્કરોએ તો કોઈ ડર વગર થાંભલા ઉપર ચડી ચાલુ વીજ લાઈનના વાયરની ચોરી કરી જતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કડીના ભાવપુરા વિસ્તારમાં આવેલ જલધારા સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ કે જેઓ કરી સબ ડિવિઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને પોતાની ઓફિસ ઉપર હાજર હતા. જે દરમિયાન તેઓને વેકરા વિલેજ હેલ્પર રણછોડભાઈએ ઓફિસ ઉપર પહોંચી ઘનશ્યામભાઈને જણાવેલ કે પટેલ ધર્મેશભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, વિનાયકપુરા વેકરા ગામ તરફ જતા પાકા રોડની બાજુમાં આવેલ 11 કેવી ખેતીવાડી ફિડરના વીજ લાઈન થાંભલા ઉપર એલ્યુમિનિયમ વિજ તારની ચોરી થઈ ગઈ છે.
UGVCLમાં નોકરી કરતા ઘનશ્યામભાઈને જાણ થતાં જ તેઓ અધિકારીઓ સાથે વિનાયકપુરા ઘટના સ્થળે દોડ્યા હતા. ઘનશ્યામભાઈ અધિકારીઓ સાથે વિનાયકપુરા વેકરા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરતા માલુમ થયું હતું કે, ખેતીવાડી જોડાણ માટે આપેલ જે લાઈનોના થાંભલા ઉપર 55 એમ એમ 2 રેબિટ લાઈનના એલ્યુમિનિયમના વીજ તારની ચોરી થઈ છે. જેની કિંમત રૂ. 1, 29, 542 ના એલ્યુમિનિયમના વાયરો અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાનું માલુમ થતાં તેઓ અધિકારીઓ સાથે બાવલુ પોલીસ મથકમાં દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.