વિસનગરમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો યુવક એક્ટિવા લઈ બેંકમાં પૈસા જમા કરાવવા જતો હતો. જ્યાં હ્યુન્ડાઈ શો રૂમ આગળ રોડ ક્રોસ કરતા સાયકલ ચાલકને બચાવવા જતાં બ્રેક મારતા એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં યુવકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના પાસે રહેલા 1,58,900 રૂપિયા ક્યાંક પડી જતાં જોવા ન મળતા આ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગરની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા અને મૂળ વડગામ તાલુકાના સમશેરપૂરા ગામના જીગરકુમાર રાજુભાઈ ચૌધરી એસ.કે.ફાઇનાન્સ લિમિટેડ ખાતે બેકઓફિસ પોસ્ટ પર નોકરી કરે છે. જે ગત 20 જૂનના રોજ પોતાની ફાઇનાન્સની ઓફિસ પર ગયા હતા. જ્યાં હપ્તાના આવેલ પૈસા એચડીએફસી બેંકમાં જમાં કરાવવાના હોવાથી ઓફિસે પાવતી ભરી જેમાં એક પાવતી 1,48,550 તેમજ બીજી પાવતી 10,350ની ભરી પૈસાની ગણતરી કરી પૈસા પેન્ટના જમણા ખિસ્સામાં મૂકી એક્ટિવા લઈ બેંકમાં જવા નીકળ્યા હતા.
જ્યાં હ્યુન્ડાઈ કંપનીના શો રૂમ આગળ ડીવાઈડરની જગ્યા વચ્ચે છોકરાઓ સાયકલ લઇ રોડ ક્રોસ કરતા હોવાથી રોડ ક્રોસ કરતા સાયકલ ચાલકને બચાવવા જતાં જીગરએ એક્ટિવાને બ્રેક મારતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા જીગર નીચે પટકાયો હતો. નીચે પડી જવાથી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં આવી પેન્ટના ખિસ્સામાં રહેલા પૈસા ન જણાતા પૈસા રસ્તામાં પડી ગયું હોવાનું જીગરને લાગ્યું હતું. જેથી જીગરએ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.