ડીસા-ધાનેરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મોત નીપજ્યું હોવાની ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધાઇ છે.

ડીસા-ધાનેરા રોડ પર આવેલ રમુણ ગામ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે. રામસેણા ગામના વતની 45 વર્ષીય રમેશ મશરુભાઈ ઠાકોર પોતાનું બાઈક લઈને રમૂણ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરટપાટ ઝડપે આવી રહેલી ક્રેટા કારના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત થયો હોવાની માહિતી મળતા જ ડાહ્યાભાઈ ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં જોતા તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ ઠાકોર રોડ પર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જેથી તેઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલ ખસેડવાની હાથ ધરી હતી.

જોકે, હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો. તેમજ અકસ્માત બાદ પીછો કરતા કાર ચાલક કંસારી ટોલ પ્લાઝા પાસે ઝડપાઇ ગયો હતો. જે અંગેની ફરિયાદ નોંધાતા આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.