ખડસદ કોસમાડા રોડ પર અર્ટિગા અને હેરિયર ફોર વ્હીલ વચ્ચેના અકસ્માતમા સરથાણાના બે આશાસ્પદ વિદ્યાર્થીઓના મોત થતા મૃતકના પરિવારમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.કામરેજના ખડસદ નજીક કોસમાડા પાસે નવ નિર્મિત રીંગરોડ પર મારુતિ અર્ટિગા કારમાં સવાર ત્રણ વિદ્યાર્થી મિત્રો ઉધના ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસે પાસપોર્ટ કામ માટે જઈ રહ્યા હતા.ત્યારે તેમની ફોર વ્હીલને હેરિયર ચાલકે ધડાકાભેર અથડાવી દેતા અર્ટિગા કારમાં સવાર ત્રણ પૈકી બે ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.જ્યારે ત્રીજાને અને હેરિયર ચાલકને સુરતની પી.પી માંણીયા હોસ્પિટલ વિનસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા.સરથાણા ગઢપુર ટાઉનશીપ મકાન નંબર 452 ખાતે રહેતો 18 વર્ષીય તીર્થ રાકેશભાઈ સવાણી,ગઢપુર ટાઉનશીપ સરથાણા બી/3 308 ખાતે રહેતો 18 હર્ષિલ અશોકભાઈ ભીસરા તેમજ ગઢપૂર ટાઉનશીપ 188 ખાતે રહેતો 18 વર્ષીય પ્રતીક નિતેશભાઈ શિંગાળા ત્રણેય મિત્રો અમદાવાદ ખાતે કોલેજમાં અભ્યાસ કરતા હતા.જેમનું વેકેશન હોય હાલ તેઓ વતન સરથાણા સુરત ખાતે આવ્યા હતા.ગત રોજ ત્રણેય મિત્રો ઉધના ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસે પાસપોર્ટના કામ માટે પ્રતીક શિંગાળાના પિતાની અર્ટિગા કાર નંબર GJ05RB-4515 લઈ ગઢપુર સરથાણાથી નીકળ્યા હતા.ત્યારે બપોરના એકાદ વાગ્યા આસપાસ ખડસદથી કોસમાડા તરફ જતા રોડ પર નવનિર્મિત રીંગરોડ પાસેના સરદાર ચોક પાસે અર્ટિગા કાર ચાલક પ્રતીકે ગાડીને વળાંક લેતી વેળાએ સામેથી આવી રહેલી ટાટા હેરિયર ગાડી નંબર GJ05RQ-9192ના ચાલક અને કામરેજના ધોરણ પારડી ખાતે રહેતા ધ્રુવ જીતેશભાઈ જોશીએ તેની ફોર વ્હીલ પુર ઝડપે અને ગફલત ભરી હંકારી લાવી અર્ટિગા સાથે ધડાકા ભેર અથડાવી દીધી હતી.ધડાકા ભેર અથડાયેલી બંને કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.અવાજની સાથે ઘટના સ્થળે લોકટોળું એકત્ર થતા ધટનાની જાણ સરથાણા પોલીસ અને ફાયર વિભાગને થતા બંનેની કુમક સ્થળ આવી પહોંચી હતી.અકસ્માતમાં અર્ટિગા ગાડીમાં ફસાયેલા તીર્થ રાકેશભાઈ સવાણી તેમજ હર્ષિલ અશોકભાઈ ભીસરાને શરીર અને કપાળે ગંભીર ઈજા થતા બંનેના ઘટના સ્થળે જ કમકમાંટી ભર્યા મોત નીપજ્યા હતા.જ્યારે અર્ટિગા સવાર પ્રતીક નિતેશ શિંગાળા તેમજ ટાટા હેરિયર ચાલક ધ્રુવ જીતેશ જોષીને અનુક્રમે વરાછાની પી.પી માણીયા તેમજ સુરતની વિનસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.સમગ્ર ધટના અંગે મૃતક તીર્થ સવાણીના કાકા પરેશભાઈ સવાણીએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.