ડીસા પંથકમાં ભારે વરસાદના પાંચ દિવસ બાદ પણ હજુ કેટલાય ગામડાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. પેછડાલ ગામે પણ હજુ પણ ખેતર અને રસ્તાઓ પર પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડાએ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જેમાં ડીસા તાલુકાનું પેછડાલ ગામ પણ બાકાત રહ્યું નહીં. પેછડાલમાં ભારે વરસાદના વિરામ બાદ પણ હજુ ખેતરો અને રોડ પર પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયેલા છે. જેથી લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ બાબતે ગામના સરપંચ શિવાભાઈ ચૌધરી જણાવ્યું હતું કે બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે આખા ગામમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે. ખેતરો પર રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે.
ખેતરમાંથી બહાર નીકળી શકે તેવી કોઈજ પરિસ્થિતિ નથી. અમારે જો ખેતરમાંથી ગામમાં આવું હોય તો પણ પાંચ પાંચ ફૂટ પાણીમાં થઈને અવર-જવર કરવી પડે છે. અમારૂ ગામ આખું સંપર્ક વિહોણુ બની ગયું હોય તેવી સ્થિતિ છે. ગામમાં બિમાર વ્યક્તિ હોય તો દવાખાને પણ લઈ શકાય તેવી કોઈ સ્થિતિ નથી.
અગાઉ પણ 2015 અને 17 માં ભારે વરસાદના કારણે આવી જ સ્થિતિ બની હતી. ત્યારબાદ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી આ ગામમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થતા આ વખતે ફરી આવી જ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી ગ્રામજનોની માંગણી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પાણી નિકાલ કરવામાં નહીં આવે તો અમારા ગામના લોકોની હાલત હજુ પણ વધારે ખરાબ થઈ શકે તેમ છે.