ખેત તલાવડીઓમાં ભંગાણ: ડીસામાં ભારે વરસાદના કારણે 13 જેટલી કાચી ખેત તલાવડીઓ તૂટી જતા લાખોનું નુકસાન; રીપેરીંગ માટે સહાયની માગ
વાવાઝોડાના પગલે ડીસા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ચોમાસામાં વેસ્ટ જતા પાણીનો સંગ્રહ કરી ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવેલી 13 જેટલી ખેત તલાવડીઓ તૂટી જતા ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ખેત તલાવડી બનાવ્યા બાદ તેના પર પ્લાસ્ટિક નાખવાનું બાકી હતું જેના કારણે કાચી ખેત તલાવડીઓમાં પાણી ભરાઈ જતા ખેત તલાવડીઓ એક પછી એક તૂટી ગઈ છે.
એક ખેત તલાવડી બનાવવા માટે ખેડૂતને અંદાજિત 10થી 15 દિવસ જેટલો સમય લાગે છે અને ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં ખેત તલાવડીઓ બનાવેલી છે અને ખેડૂતોએ ખેત તલાવડી બનાવ્યા બાદ સરકારી સહાયમાં મળતું પ્લાસ્ટિક નાખવાનું બાકી હતું, પરંતુ તે પહેલા જ ભારે વરસાદ ખાબકતા અને કાચી ખેત તલાવડીઓમાં પાણી ભરાઈ જતા એક પછી એક ખેત તલાવડીઓ ના પાળ તૂટી જતા ખેડૂતોએ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો છે.