બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી તાલુકાની માલવણ ચોકડી પર શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની ગાડીને આંતરીને ગાડીની સઘન ચેકીંગ કરતા ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. બજાણા પોલીસે ચેકીંગ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 216 કિંમત રૂ. 86,400 અને સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ કાર કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,86,400નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. જ્યારે કાર ચાલક પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ થયો હતો.બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, નરેશભાઇ મેર, કિશોરભાઇ પારઘી અને ભૂપતભાઇ દેથળીયા સહિતનો બજાણા પોલીસનો સ્ટાફ હાજર હતો. બજાણા પોલીસ કુલ રૂ. 3,86,400નો મુદામાલ ઝબ્બે કરી દારૂ અંગેનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા કાર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.