ડીસા (મેરૂજી પ્રજાપતિ)

કો-ઓપરેટીવ બેંકો અને સોસાયટીઓ ગ્રાહકો પાસેથી ડિપોઝિટ લેતા સમયે તેમને મોટા વ્યાજની લાલચ આપતી હોય છે અને જ્યારે નાણાં ચૂકવવાનો વારો આવે ત્યારે કોઈ ને કોઈ બહાનાં બતાવી નાણાં ચૂકવવામાં તાગડધિન્ના કરતી જોવા મળે છે. નાણાં ચૂકવવામાં મનમાની કરતી ધી આદર્શ ક્રેડિટ કોપરેટીવ બેંક લિમિટેડ, ડીસાને ગ્રાહક અદાલતે લપડાક મારી છે અને ગ્રાહકને મૂળ રકમ નવ ટકા વ્યાજ અને ફરિયાદ ખર્ચ તેમજ માનસિક ત્રાસની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.ફરિયાદની વિગતો મુજબ વર્તમાનમાં ઘી આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ કે જે પૂર્વમાં શ્રી ડીસા નાગરિક સહકારી બેંક લિમિટેડ તરીકે ઓળખાતી હતી ત્યારે ડીસા નાગરિક સહકારી બેંક લિમિટેડ એ લખપતિ ઓટોમેટીક રીન્યુઅલ બોન્ડની સ્કીમ જાહેર કરેલી. જે સ્કીમ અંતર્ગત ₹5,000 ના રોકાણ ઉપર 25 વર્ષના રોકાણ કર્યા બાદ ગ્રાહકને ₹2,10,831 આપવાનો વાયદો કરવામાં આવેલો. અને તેવો જ વચન અને ભરોસો આપતાં વાવ તાલુકાના ચારડીયા ગામે રહેતા હઠાભાઈ રણછોડભાઈ રાજપૂતે પોતાની સગીર દીકરી પાર્વતીબેન ના નામે વર્ષ 1996 માં ₹5,000 નું રોકાણ કરી બોન્ડ લીધેલ અને ત્યારબાદ વર્ષ 2021માં બોન્ડ ની મુદત પાકતાં ગ્રાહક હઠાભાઈ ધી આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ બેંકની ડીસાની મેઇન બ્રાન્ચ મા સદર બોન્ડ લઈને ગયા હતા અને પાકી ગયેલ રકમ ₹2,10,831 ની માંગણી કરી હતી.પરંતુ કોપરેટીવ બેંકે નાણાં ચૂકવવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધેલ અને જણાવેલ કે નાગરિક બેંક હવે બંધ થઈ ગઈ છે જેથી તમને નાણા મળશે નહીં. ગ્રાહક હઠાભાઇએ પોતાની સગીર દીકરી પાર્વતીબેનના ભવિષ્ય માટે કરીને કરેલ રોકાણ વ્યર્થ જતાં અને કોપરેટીવ બેંકે નાણા ચુકવવાથી ઇન્કાર કરતાં હતાશ અને નિરાશ થયેલા ગ્રાહક હઠાભાઇએ ગુજરાત રાજ્યની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેને રૂબરૂ મળી પોતાની આપવીતી બતાવી લેખિત ફરિયાદ આપી હતી. જે ફરિયાદને ગંભીરતાથી લઈ નોટીસ વિગેરે ની કાર્યવાહી કર્યા બાદ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા એ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ નંબર 163/2022 થી આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ડીસા શાખા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ હતી. ફરિયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતાં અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર દલીલો ને માન્ય રાખી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી.પંચાલ સભ્ય બી.જે.આચાર્ય અને એમ.એ.સૈયદ ની જ્યુરીએ સમગ્ર કેસને ગંભીરતા પૂર્વક જોઈ ગ્રાહક તરફી હુકમ ફરમાવેલ છે. જિલ્લા ગ્રાહક અદાલતે ફરિયાદી ગ્રાહકની પાકતી રકમ ₹2,10,831 ઉપરાંત 9 ટકા વ્યાજ તેમ જ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ પેટે રૂપિયા 2500/- ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે. આમ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસો થી વધુ એક ગ્રાહકને ન્યાય મળવા પામેલ છે.