સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમે પાટડી તાલુકાના ઝીંઝુવાડાના રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સોને રૂ. 4.98 લાખના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી છે. જેમાં સુરેન્દ્રનગર પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમે રોકડા, 8 મોબાઇલ, 1 કાર અને 1 એક્ટિવા મળી કુલ રૂ. 4,98,020નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી અને પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમના પીએસઆઇ સી.એ.એરવાડીયા સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રાજેશ્વરી માતાજીના મંદિર સામે ઝીલકેશ્વર મહાદેવ જવાના રસ્તે આવેલા રહેણાંક મકાનમાં નવુભા ચેલસિંહ ઝાલા અને મકાન માલિક વાઘુભા નાનુભા ઝાલા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે જુગારધામ પર અચાનક દરોડો પાડ્યો હતો.જેમાં જુગાર રમતા જીવુભા મદારસીંહ ઝાલા ( ઝીંઝુવાડા ), ઇસ્માઇલ ઉસ્માન કછોટ ( માંડલ ), ઇરફાન અબ્દુલ કછોડ ( માંડલ ), ખુમાનસિંહ રણુભા ઝાલા ( ઝીંઝુવાડા ), નરેન્દ્રસિંહ ઉદુભા ઝાલા ( ઝીંઝુવાડા ), સિધ્ધરાજસિંહ ભારૂભા ઝાલા ( ઝીંઝુવાડા ) અને પૃથ્વીરાજસિંહ ઇસુભા સોલંકી ( રામપુરા (દેત્રોજ) )ને રોકડા રૂ. 21,020, મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 27,000, ઇકો કાર કિંમત રૂ. 4,00,000 અને એક્ટિવા મોટરસાયકલ કિંમત રૂ. 50,000 મળી કુલ રૂ. 4,98,020ના મુદામાલ સાથે આઠ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.જ્યારે દેત્રોજના રામપુરાનો આરોપી પૃથ્વીરાજસિંહ ઇસુભા સોલંકી પોલીસના થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે જુગાર અંગેનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી અને પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમના આ દરોડામાં પીએસઆઇ સી.એ.એરવાડીયા સહિત અસ્લમખ‍ાન, ભરતસિંહ, વનરાજસિંહ, જગદિશભાઇ, ભગીરથસિંહ, અશ્વિનભાઇ સતનભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે કાર્યવાહીમાં હાજર હતો.