સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા અને પેરોલ જમ્પ થયેલા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના તમામ પોલીસ મથકોએ કડક સૂચના આપવાની સાથે એક મહા ડ્રાઇવ ચલાવી છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત અને પીઆઇ જે.એસ.ઝાંબરેની આગેવાનીમાં અને માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો બજાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના ગેડીયા ગામે અચાનક દરોડો પાડી ગેડીયા ગામના અને છેલ્લા ત્રણેક વર્ષથી જિલ્લામાં અને જિલ્લા બહાર પ્રોહીબિશનના અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલા 27 વર્ષના કુખ્યાત આરોપી શોહરબખાન બિસ્મીલાખાન જત મલેકને ગેડીયા ગામના એક ખેતરમાંથી દબોચી લીધો હતો.જેમાં આ આરોપી શોહરબખાન બિસ્મીલાખાન જત મલેક બજાણા પોલીસ મથક સહિત જિલ્લાના અને જિલ્લા બહારના આઠથી વધુ પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતુ. જેમાં તેની વિરુદ્ધ બજાણા, લખતર, મૂળી, સુરેન્દ્રનગર અને મોરબી પોલીસ મથક સહિત કુલ પ્રોહિબિશનના આઠ ગુન્હાઓ નોંધાયેલા છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ભૂપતભાઇ દેથળીયા, ગોવિંદભાઇ ભરવાડ, કિશોરભાઇ પારઘી અને જયપાલસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.