સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત અને એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે તાકીદે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે ગોઝારા અકસ્માતો જોવા મળતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે ફોરવ્હીલ ગાડીએ સામેથી આવતી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સજાયો હતો. આ અકસ્માતની ઘટનામાં મોટરસાયકલ ચાલકનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે એને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યારે હાજર તબીબ દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતના કેસ આવતા હોય છે ત્યારે કોઈ સર્જન, ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર જ કરવામાં આવે છે.ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની તાકીદે નિમણૂંક કરવામાં આવે તેવી તેવી વ્યાપક લોકમાંગ ઉઠવા પામી છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.