સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા લોકોને વરસાદ અને વાવાઝોડાની અસરથી રક્ષણ માટે પાલિકા આશ્રય ઘર ટીમે ડ્રાઇવ યોજી હતી. જેમાં શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ખુલ્લામાં રહેતા 28 લોકોને સમજાવી આશ્રય ઘરમાં લઇ જવાયા હતા. જોકે હવે પરિસ્થિતિ થાળે પડતાં તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના એનયુએલએમ શાખા દ્વારા વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે અસરથી બચી શકાય અને ઘરવિહોણા લોકોને આશ્રય ઘરમાં આશ્રય અપાવવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા સીટી વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારે બસસ્ટેન્ડ પાસે ખુલ્લામાં રહેતા લોકોને મુશ્કેલી અંગે હર્ષદભાઇ વ્યાસે જાણ કરતા એનયુએલએમ શાખાના ટેક્નિકલ એકસપર્ટ હિતેશભાઈ રામાનુજ, ડી.પી. ઝાલા, ભાર્ગવભાઇ સહિતના પહોંચી 28 લોકોને નગરપાલિકાના વાહન દ્વારા આશ્રય ઘરમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.