હવામાન વિભાગ દ્વારા કરાયેલી બિપરજોય વાવાઝોડાની આગાહીને અનુલક્ષીને સરકાર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારએ રણકાંઠાના વિસ્તારના કુડા, નરાળી વગેરે ગામોની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરી વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલી તૈયારી વિશેની માહિતી મેળવી સાવચેતીના પગલા લેવા અંગે સૂચના આપી હતી.આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ લોકો માટે આરોગ્યલક્ષી કંઈ કંઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની પણ જાણકારી મેળવી હતી. આ ઉપરાંત તેમણે સાવચેતીના ભાગરૂપે રણ વિસ્તારના એન્ટ્રી ચેકપોસ્ટની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ બિપરજોય વાવાઝોડાની તકેદારીના ભાગરૂપે કરવાની થતી તમામ કામગીરીમાં કોઈ કચાસ ન રહે તેવી ટકોર કરી સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. જેમાં આ મુલાકાત દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા.