મહેસાણાના કડી-ચંદ્રાસણ રોડ પર ગતરોજ લમણાના ભાગે ગોળી મારી યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. યુવકની પૈસાની લેતીદેતીમાં હત્યા કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ખૂલાસો થયો છે કે યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હતી. કડી-ચંદ્રાસણ ગોવિંદપુરા પાસે સૂર્યા ફાર્મ નજીક રોડ પર ગોળી મારી યુવકની હત્યા કરવામાં આવી હતી.

ઈકબાલ ખોખર નામના ઈસમે પ્રેમ પ્રકરણમાં યુનુસ ઉર્ફે મંગો હમજી કુરેશીની હત્યા કરી હતી. બુધવારના રોજ કારચાલક યુવકની બાઈકસવાર યુવકે હત્યા કરી હતી. બાવલુના ગોવિંદપુરા પાસે સૂર્યા ફાર્મ નજીક રોડ પર કારમાં ફાયરિંગ કરાયુ હતુ. જેમા કારચાલકને માથાના લમણાના ભાગે ગોળી મારી હત્યા કરાઈ હતી. હત્યાની 24 કલાકમાં મહેસાણા DySP, LCB, SOG કડી અને બાવલુ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લમણાના ભાગે રિવોલ્વરથી ગોળી મારી ઈકબાલે યુનુસ કુરેશીની હત્યા કરી હતી.

સાણંદ તાલુકાના અણદેજ ગામના યુનુસ દાદુભાઇ કુરેશી  જમીન દલાલીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જે દરમિયાન યુનુસ આજે સાણંદ ખાતે પોતાના કામકાજ અર્થે ગયો હતો અને કામકાજ પતાવીને ખોળા ઢાળથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે કડી તાલુકાના ગોવિંદપુરા નર્મદા કેનાલ પાસે આવેલા સૂર્યા ફાર્મ પાસે ગાડી લઈને પહોંચતા પાછળથી આવી રહેલા બાઈક ચાલકે યુનુસને ઉભો રાખ્યો હતો. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી કરતા યુવકે કાર સવાર યુનુસને વાતોમાં ઉલજાવી રાખી. ત્યારબાદ ઓચિંતા પોતાના પીઠ પાછળ રાખેલી બંદુક કાઢીને યુનુસને માથાના જમણા ભાગે ગોળી મારી દેતા કારમાંજ તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગોળી મારી બાઈક સવાર સ્થળેથી ફરાર થઈ ગયો હતો.  જો કે પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.