પાટડી તાલુકામાં બીપરજોય વાવાઝોડાથી તબાહીનું મંજર જોવા મળ્યું હતુ. જેમાં પાટડીના વડગામ લોક કલ્યાણ સેવા સંસ્થાની હોસ્ટલના પતરા, લોખંડની એંગલ અને સિમેન્ટના પિલ્લરો ફંગોળાયા હતા અને બાળકોની પથારી પર પાણી ફરી વળ્યા હતા. જેમાં હોસ્ટલના 76 બાળકો સહિત તમામ 81ના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં તલાટી સહિતના આગેવાનો તાકીદે બનાવના સ્થળે દોડી ગયા હતા.બિપરજોય વાવાઝોડું જખૌના બંદરે ટકરાયા બાદ એની અસર ગુજરાતભરમાં જોવા મળી હતી. જેમાં પાટડી તાલુકાના રણકાંઠા વિસ્તારમાં પણ એની વ્યાપક અસરો જોવા મળી હતી. સરકારી તંત્ર દ્વારા રણમાં મીઠું પકવતા તમામ અગરિયાઓને પાછા બોલાવી આખું રણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતુ. જ્યારે તમામ તલાટી કમ મંત્રીઓને એમના ગામોમાં જ ખડેપગે હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.આ અંગે વડગામ લોક કલ્યાણ સેવા સંસ્થાના મહામંત્રી વશરામભાઇ મકવાણાએ જણાવ્યું કે, સાંજે બાળકો મેદાનમાં રમત રમી રહ્યાં હતા. ત્યારે અચાનક જોરદાર પવનના સૂસવાટા સાથે વાવાઝોડું અને વરસાદ ખાબકવાની સાથે હોસ્ટલની ચાર રૂમોના પતરા, એન્ગલો અને સિમેન્ટના પિલ્લરો હવામાં ફંગોળાયા હતા. લાઇટ અને પંખા સહિતના તમામ વિજ ઉપકરણો પણ બળી ગયા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નહોંતી. હોસ્ટલના તમામ 66 દીકરાઓ, 10 દીકરીઓ અને 5ના સ્ટાફ સાથે તમામ 81 લોકોને બચાવી લઇ સલામત સ્થળે લઇ જવાયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, તલાટી તુષારભાઇ સહિત જેસીંગભાઇ ચાવડા, ખેંગારભાઇ ડોડીયા અને સરપંચ સહિતના આગેવાનો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા.