કડીમાં અવારનવાર ચોરી, લૂંટ, હત્યા સહિતના ગુનાઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં નર્મદા કેનાલ નજીક એક કાર લઈને જઈ રહેલા યુવકને એક બાઈક સવારે આવી લમણે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાના પોલીસે CCTV કબ્જે કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સાણંદ તાલુકાના અણદેજ ગામના યુનુસ દાદુભાઇ કુરેશી જમીન દલાલીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જે દરમિયાન યુનુસ આજે સાણંદ ખાતે પોતાના કામકાજ અર્થે ગયો હતો અને કામકાજ પતાવીને ખોળા ઢાળથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે કડી તાલુકાના ગોવિંદપુરા નર્મદા કેનાલ પાસે આવેલા સૂર્યમ ફાર્મ 2 પાસે ગાડી લઈને પહોંચતા પાછળથી આવી રહેલા બાઈક ચાલકે યુનુસને ઉભો રાખ્યો હતો. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી કરતા યુવકે કાર સવાર યુનુસને વાતોમાં ઉલજાવી રાખી. ત્યારબાદ ઓચિંતા પોતાના પીઠ પાછળ રાખેલી બંદુક કાઢીને યુનુસને માથાના જમણા ભાગે ગોળી મારી દેતા કારમાંજ તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગોળી મારી બાઈક સવાર સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળના નજીકના એક CCTVમાં હત્યાનો બનાવ કેદ થયો હતો. ઘટનાની જાણ બાવલુ પોલીસને કરતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. કડીના પોલીસ સ્ટેશન હદમાં આવેલા ગોવિંદપુરાની સીમમાં એક યુવકની ગોળી મારી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.