અમરેલી: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે લોકો સહિત તંત્ર પણ ચિંતિત બન્યું છે. સરકાર દ્વારા વાવઝોડાની આફતને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારોના લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની સાથે ગુજરાત પોલીસ પણ 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહી છે. તે વચ્ચે અમરેલી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસ દ્વારા અમરેલીથી દૂર જાફરાબાદના શિયાળ બેટમાં રહેતા લોકોને ખોરાક પૂરો પાડવામાં આવ્યો છે. જેમાં અત્યંત જરૂરિયાતની ગણાતી વસ્તુઓ દૂધ અને બટાટા બોટ મારફતે મોકલવામાં આવ્યા છે.
અમરેલી પોલીસ દ્વારા તોફાની દરિયામાં જીવના જોખમે બોટમાં લોકોને ખોરાક પહોંચાડવામાં આવ્યો છે. જાફરાબાદ ખાતે આવેલા શિયાળ બેટ જે દરિયાથી અડીને આવેલો છે, ત્યાં 10 હજારની આસપાસ લોકો રહે છે. અહીંયા અમરેલી પોલીસે દ્વારા 250થી વધુ દૂધની થેલી અને 300 કિલોની આસપાસ બટાટા પહોંચાડવામાં આવ્યા છે. પોલીસની આ સરાહનીય કામગીરીની ચોરકોર પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે લોકો ખાખીમાં રહેલા પોલીસને નિષ્ઠુર સમજતા હોય છે, પરંતુ ખાખીમાં પણ એક માણસ રહેલો છે. આ ઘટના તે જ સાર્થક કરે છે.
આ ઉપરાંત શિયાળ બેટમાં ગતરાત્રિએ મરીન પોલીસ અને 108ની ટીમની પણ સરાહનીય કામગીરી સામે આવી છે. શિયાળ બેટની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તોફાની દરિયામાંથી 108 અને મરીન પોલીસની મદદથી પીપાવવા ખાતે લાવવામાં આવી હતી. ત્યાંથી 108 મારફ્તે તાત્કાલિક રાજુલાની સરકારી હોસ્પિટલમાં મહિલાને ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જાફરાબાદનું શિયાળ બેટ દરિયાની વચ્ચે આવેલુ છે. જેને લઈ ત્યાં લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે.
આ વિકટ પરિસ્થિતિમાં તમામ લોકોની સુરક્ષાએ સુરક્ષાકર્મી સહિત પોલીસની પ્રથમ ફરજ બની છે. ખાસ કરીને વાવઝોડાના કારણે દરિયાકાંઠે આવેલા વિસ્તારોના લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યુ છે. તમામ લોકોને પોતાના ઘર છોડી સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. આવા સમયમાં લોકો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. ઝીરો કેઝ્યુલિટીની કામગીરી પર તંત્ર દ્વારા ભાર આપવામાં આવી રહ્યો છે. સરકારી તંત્ર સાથે કટેલાક સેવાભાવી લોકો પણ મદદે આગળ આવ્યા છે અને લોકોને ખોરાક જેવી મહત્વની ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે જે માટે ખાસ વોલિન્ટિયર મદદે પહોંચ્યા છે.