ગોધરા તા.

ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારોમાં ભયાનક બિપરજોય વાવાઝોડું ત્રાટકવાના શરુ થયેલા કાઉન્ટ ડાઉન વચ્ચેની શરુ થયેલ અસરોમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓની સુરક્ષાઓ અને સલામતીઓને ધ્યાને લઈને આજથી આગામી તા.૧૬મી સુધી એટલે કે ત્રણ દિવસો માટે રોપ-વે સેવાઓ બંધ કરવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રીકોની સુવિધા માટે ચાલતા રોપ વે હવામાન બરાબર ન હોવાને કારણે અને વધુ જોરથી ફુંકાતા પવન ને કારણે યાત્રિકો ની સેફટી માટે રોપ વે વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર માંચી ખાતે યાત્રિકો ની સુવિધા માટે રોપ વે વ્યવહાર ચાલે જે આજે સવારે રોજ ના ક્રમ મુજબ ૭:૩૦ કલાકે રોપ વે ચાલુ કરવામાં આવ્યો હતો. જે બે કલાક સુધી એટલે કે ૯:૩૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો.પરંતુ વધુ જોરથી ફુંકાતા પવન ને કારણે યાત્રિકો ની સુરક્ષા અને સલામતી ને લઇ રોપ વે વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. સામાન્ય દિવસોમાં પ્રતિ કલાકે પાંચ થી દસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાતો હોય છે. ત્યારબાદ પવન વધારે ફુકાય એટલે પ્રતિ કલાક ના ૩૫ થી ૪૫ કિલોમીટર ની ઝડપે ફુકાય તો તેના ઉપર સતત નજર રાખવામાં આવે છે. અને જો ૪૫ થી વધુ ઝડપે પવન ફુકાય તો સેફટી સાયરન વાગે જેથી રોપ વે બંધ કરી દેવામાં આવે છે. નહી તો ઓટોમેટિક રોપ વે બંધ થઇ જાય છે. આજે વાતાવરણ બદલાતા અને પ્રતિ કલાક ની ૪૫ કિલો મીટર ઉપરની ઝડપ થી પવન ફુંકાતા યાત્રિકો ની સુરક્ષા અને સલામતીને લઇ રોપ વે બંધ કરી દેવામાં આવ્યો હતો.આજે આખો દિવસ વાતાવરણ તેવું જ રહેતા આખો દિવસ રોપવે બંધ રાખવામાં આવ્યો હતો.જ્યારે આધારભૂત વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૩ જૂન મંગળવાર થી ૧૬ જૂન શુક્રવાર સુધી રોપવે સેવા સદંતર બંધ રહેશે તેવી જાણકારી મળવા પામી છે.