દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે પર વડગામ કેનાલ પાસેથી વિદેશી દારૂની 1116 બોટલો સાથે ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી હતી. આ દરોડામાં દસાડા પોલીસે વિદેશી દારૂની બોટલો અને કાર મળી કુલ રૂ. 5,18,800નો મુદામાલ ઝબ્બે કરી પોલીસને થાપ આપીને નાસી છૂટેલા કાર ચાલકને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં નિકળેલી સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીને કોર્ડન કરીને ઉભી રખાવવાની કોશીષ કરવા છતાં ચાલકે ગાડી ઉભી ના રાખી હંકારી મુકતા પોલીસ સ્ટાફે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વડગામ નર્મદા કેનાલ પાસે ગાડીને ઓવરટેક કરતા કાર ચાલક ગાડી મૂકીને પોલીસને થાપ આપીને બાવળની આડમાં નાસી છૂટવામાં સફળ થયો હતો.દસાડા પોલીસ આ ફોર્ચ્યુનર ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ચપલા અને બિયર ટીન મળી કુલ વિદેશી દારૂની બોટલો નંગ- 1116, કિંમત રૂ. 1,18,800 અને ફોર્ચ્યુનર ગાડી કિંમત રૂ. 4,00,000 મળી કુલ રૂ. 5,18,800નો મુદામાલ ઝબ્બે કરી ઇંગ્લિશ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા કાર ચાલકને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, મનીષભાઇ અઘારા, સુરેશભાઇ, નિલેશભાઇ રથવી, દિપકભાઇ અને ચેતનભાઇ સહિતનો દસાડા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.