ડીસાના જુનાડીસા ગામે રહેતી યુવતી મકાન લેવા માટે પિયરમાંથી 25 લાખ રૂપિયા દહેજ ન લાવી તો ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. યુવતીને શારીરિક, માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેના પતિએ તલાકની નોટિસ પાઠવતા યુવતીએ પતિ, સાસુ, સસરા સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ડીસાના જુનાડીસા ગામે રહેતી એક યુવતીના લગ્ન સમાજના રીતે રિવાજ મુજબ અમદાવાદ ખાતે રહેતા તનજીલ ઘાસુરા સાથે થયા હતા. છ વર્ષ અગાઉ લગ્ન થયા બાદ દાંપત્ય જીવન દરમિયાન યુવતીને એક પુત્રીનો જન્મ થયો હતો. શરૂઆતમાં એકાદ વર્ષ બરાબર ચાલ્યા બાદ સાસુ, સસરા અને નણંદની ચડામણીથી યુવતીને તેનો પતિ ત્રાસ આપવા લાગ્યો હતો અને બાદમાં અમદાવાદમાં મકાન લેવાનું હોવાથી યુવતીને તેના પિયરમાંથી 25 લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું.

જોકે, યુવતીના પિયરીયાઓએ લગ્ન સમયે દાગીના અને રોકડ આપ્યા હોવાથી દહેજ લાવવાનો ઇનકાર કરતા તેના પતિ સહિત સાસરીયા યુવતીને ફોસલાવીને પિયરમાં મોકલી હતી. આ યુવતી પિયરમાં ગયા બાદ તેના પતિએ ફોન કરીને તેની કે તેની દીકરીની કોઈ જ જરૂર નથી તેમ જણાવ્યું હતું.

લગ્ન જીવન દરમિયાન જ્યારે યુવતીને પુત્રીનો જન્મ થયો ત્યારબાદ તેના પતિને પુત્ર જોઈતો હતો. પુત્રીનો જન્મ થયો હોવાનું કહી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. એક દીકરીની માતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તેના પતિએ તેને તલાકની નોટિસ મોકલાવી હતી. જેથી પતિ અને સાસરિયાંઓના ત્રાસથી કંટાળેલી પિડીતાએ આખરે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.