સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા 108 એમ્બ્યુલન્સના EMT અને પાઇલોટ દ્વારા ઇમરજન્સીમા રાજ સીતાપુર પાસે એમ્બ્યુલન્સમાં હાઇવે ઉપર પ્રસુતિ કરાવી હતી. જેમાં મા અને બાળક બંને તંદુરસ્ત હોઇ પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામમા ખેત મજૂરી કરતા પાર્વતીબેન લાલભાઈ ઠાકોરને પ્રસુતિ પીડા ઉપડતા ધ્રાંગધ્રા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ અને રિપોર્ટમાં લોહીના ટકા ખૂબ જ ઓછા હોઈ દર્દી સિવિઅર એનેમીયા જાહેર કરવામાં આવ્યું હતુ. દર્દીની હાલત નાજુક હોવાથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ દ્વારા 108 મારફતે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યુ હતુ. ધ્રાંગધ્રાથી નીકળેલી 108 એમ્બ્યુલન્સ વાનમાં દર્દી પાર્વતીબેન ઠાકોરને સીતાપુર પહોંચતા અસહ્ય પ્રસુતિ પીડા ઉપડી હતી.અને કુદરતી જ પ્રસુતિનો સમય આવી ગયો છે એમ લાગતા 108ના EMT મયંકભાઇ ડાભી અને પાઇલોટ નરેન્દ્રસિંહ દ્વારા સીતાપુર હાઇવે ઉપર 108 સાઈડમાં રાખીને પ્રસુતિ કરાવી હતી. તેમજ નાજૂક સ્થિતિમાં દર્દી હોવાથી રાખવી પડતી તમામ તકેદારી રાખી માતા અને બાળકને ગાંધી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ પ્રસુતા પાર્વતીબેન ઠાકોર અને બાળક બંનેની તબિયત સારી છે. ત્યારે સમગ્ર બાબતે ધ્રાંગધ્રા પંથકમાં 108 એમ્બ્યુલન્સ વાનની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.