દ્વારકાઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સર્જાયેલું બિપરજોય ચક્રવાતે દિશા બદલતા હવે ગુજરાત પર સંકટ તોળાઇ રહ્યુ છે. બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર- કચ્છમાં બિપરજોયને અસર દેવાની શરૂઆત થઈ ગઈ છે. જેને લઈને ગુજરાતના મોટા ભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. ત્યારે દ્વારકામાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે. ત્યારે આજે દ્વારકાધીશ મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે.

બિપરજોયને લઈને દ્વારકામાં ભારે પવન ફુકાવાની શરૂઆત થઈ ગઈ છે. બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. સવારે ભારે પવનના લીધે ધજા ચઢાવામાં આવી ન હતી. જેથી હાલ એખ સાથે બે ધજા ફરકાવામાં આવી છે. મંદિર પર એક સાથે બે ધજા ચઢાવાથી દ્વારકા પર આવતું સંકટ ટળી જાય તેવી લોક માન્યતા છે. જેથી આજે મંદિર પર એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. 

દ્વારકામાં આજે સવારથી જ ભારે પવન સાથે દરિયામાં 15થી 25 ફુટના મોજા ઉછળ્યા હતા. બિપરજોયની અસર જોવા મળતાં દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાના ગામોમાં લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું છે. દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. દરિયામાં ભારે મોજા ઉછળતા ભડકેશ્વર નજીક દરિયા કાઠે મસ મોટી ભેખડ ધસી પડી હતી. દરિયા કાંઠે સ્થિત મોટી ભેખડ તૂટતાં દરિયો નજીક આવ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પર 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરંટના પગલે ગોમતી કિનારે તેમજ દરિયાઈ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને અનુલક્ષી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીએ સમીક્ષા બેઠક કરી હતી. દ્વારકાના મંદિરે આવતા શ્રધ્ધાળુને 16 તારીખ સુધી ન આવવા માટે અપીલ પણ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશના મંદિરે ગઈકાલે પણ અડધી કાઠી પર ધજા ચઢાવામાં આવી હતી. ત્યારે આજે એક સાથે બે ધજા મંદિરમાં ચઢાવામાં આવી છે. અગાઉ ગુજરાત પર તૌકતે વાવાઝોડું આવ્યું હતું તે સમયે પણ દ્વારકાધીશના મંદિર પર એક સાથે બે ધજા ચઢાવામાં આવી હતી.