સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચના તેમજ ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન નીચે પોલીસતંત્રે ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમાએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયલા ગુનામાં નાસતા આરોપીઓને પકડવા માટે સર્વેલન્સ સ્કોર્ડ અને સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી કરી હતી.આ દરમિયાન વઢવાણની એકતા સોસાયટીમાં રૂ. 61,30,000ની ઘરફોડ ચોરીના ગુનામાં વઢવાણ ધોળીપોળ ભોગાવા નદીના કાંઠે અને મૂળ સુરેન્દ્રનગર દૂધરેજના જીતુ ઉર્ફે જીતલો ધીરૂભાઈ સરવૈયા 10 મહિનાથી આરોપી નાસતો ફરતો હતો. આથી વઢવાણ પોલીસને હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સોર્સથી માહિતી મળી હતી કે ભાવનગર સ્વામીનારાયણ મંદિર પાછળની ખૂલ્લી જગ્યામાં પાલિકાના નવા તબેલા પાછળ એસટી વર્કશોપ બાજુમાં આવેલા મેદાનમાં ઝુંપડુ બાંધી તેના પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે. આથી આ સ્થળે વઢવાણ પોલીસ ટીમે તપાસ કરીને આરોપી જીતુ ઉર્ફે જીતલો ધીરૂભાઈ સરવૈયાને ઝડપી લીધા હતા.આ કામગીરીમાં પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, રવિન્દ્રસિંહ ડોડીયા, કરણસિંહ, જયપાલસિંહ, મયુરસિંહ, બળદેવસિંહ સહિતની ટીમ જોડાઇ હતી. બીજી તરફ ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં જુદા જુદા 6 ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.