ડીસા તાલુકાના ઝાબડીયા ગામે ફોન કરવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવક પર પિતા અને બે પુત્રોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે મુડેઠા ગામે પણ રસ્તા પર ચાલવા બાબતે ધોકા વડે હુમલો થતાં ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવી હતી.

ડીસા તાલુકાના ઝાબડીયા ગામે રહેતા જીવણ પરમાર ખેતીવાડી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. જેઓ તેમના ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમના કુટુંબી ધર્માભાઈ પરમાર અને તેમના બે પુત્રો મળ્યા હતા અને ધર્માભાઈએ તેમના પુત્રને કેમ ફોન કરે છે તેમ કહી જીવણભાઈ સાથે બોલાચાલી કરી હતી.

જ્યારે જીવણભાઈએ તેમનો વિરોધ કરવા જતા પિતા અને બે પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને જીવણભાઈ પર હુમલો કર્યો હતો. ત્રણેય શખ્સોએ પથ્થર વડે હુમલો કરતા જીવણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી જીવણભાઈને હુમલામાંથી છોડાવ્યા હતા. તેમજ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યારે મુડેઠા ગામે પણ રસ્તા પરથી ચાલવા બાબતે થયેલી બોલાચાલીનું મન દુઃખ રાખી કુંવરજી રાઠોડે તેમના પડોશી ભુપતસિંહ રાઠોડ અને તેમને પિતા પર હુમલો કર્યો હતો. ધોકા વડે હુમલો કરતા પિતા પુત્રને ઇજા પહોંચી હતી. જે મામલે પણ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.