ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી વડે સૂક્ષ્મ પીયત પદ્ધતિથી સિંચાઈ કરતા ખેડૂતોને પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. સરકારના નિર્ણયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો થશે.

રાજ્યમાં ખેડૂતોને ઘણા સમયથી કૃષિ વિષયક વીજ જોડાણો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જામંત્રી કનુ દેસાઈ દ્વારા ખેત તલાવડી તેમજ અન્ય સોર્સ દ્વારા પાણી મેળવી સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવતા હોય તેવા ખેડૂતોને પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા આ બાબતે અગાઉ રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો કરાઈ હતી. જ્યાં ખેડૂતોને અગાઉ ડીઝલ પંપ દ્વારા પાણી ખેંચવું પડતું હતું. જે આર્થિક રીતે પોસાય તેમ ન હતું. જેથી ખેડૂતોને વીજ જોડાણ આપવાની ધારાસભ્યની રજૂઆત સંવેદનશીલ સરકારે સાંભળી હતી. જેના આધારે સરકારે જે ખેડૂતો ખેત તલાવડી દ્વારા કે અન્ય સોર્સ જેવાકે પાણીના ટાંકા, હોજ વગેરે દ્વારા સૂક્ષ્મ પીયત પદ્ધતિ અપનાવે તેવા ખેડૂતોને નાની મોટર મૂકી અને પિયત કરી શકે તે માટે સરકાર દ્વારા પાંચ હોર્સ પાવર વીજળી આપવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો હતો.

આ નિર્ણયથી અનેક ખેડૂતોને લાભ થશે. જેમાં વિશેષ કરીને બનાસકાંઠા જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ટપક અને ફુવારા જેવી સૂક્ષ્મ પીયત પદ્ધતિ અપનાવી ખેત તલાવડી બનાવી છે. તે ખેડૂતો અત્યારે પાણી નીકાળવા માટે પંપ, મોટર સહિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા ખર્ચ વધારે આવતો હતો. એક ખેડૂતને અંદાજિત 40થી 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો, પરંતુ હવે સરકારની આ જાહેરાત બાદ પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપતા આ ખર્ચ ઘટીને 5000 રૂપિયા જેટલો થઈ જશે. જેથી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને 40થી 45 હજાર રૂપિયાનો ફાયદો થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.

આ અંગે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ ખેત તલાવડી બનાવનાર અણદાભાઈ જાટ, મુકેશ ચૌધરી અને પ્રકાશ જાટએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 700થી વધુ ખેત તલાવડીઓ બનાવી છે. આ તમામ ખેડૂતો અત્યાર સુધી પાણી નીકાળવા માટે પંપ, મોટર, ટ્રેક્ટર સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. જેમાં વર્ષે 50,000 રૂપિયા જેટલો ખર્ચ આવતો હતો, પરંતુ હવે સરકારે પાંચ હોર્સ પાવર સુધીનું વીજ જોડાણ આપવાની જાહેરાત કરતા આ તમામ ખેડૂતોને ખર્ચ કરીને 5000 રૂપિયા થઈ જશે. જેથી દર વર્ષે 45 હજાર રૂપિયાનો સીધો ફાયદો થશે.