ડીસામાંથી NDPS ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ પિતા-પુત્રને બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડની ટીમે કચ્છના રાપરમાંથી ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોમાં પુત્ર નાર્કોટિક્સના ગુનામાં આજીવન કેદની સજા બાદ પેરોલ રજા લઈ ભાગી છુટ્યો હતો. જ્યારે પિતા પણ સુરેન્દ્રનગર પોલીસ મથકે નોંધાયેલા નાર્કોટિક્સના ગુનામાં નાસતા ફરતા આરોપી હતા.

સરહદી રેંજના પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથલીયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા બનાસકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડના PSI જે.જી સોલંકી તેમજ ટીમ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન બાતમીના આધારે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપી હિંમતલાલ વાલજીભાઈ ઠક્કર(રહે. ડીસા સરસ્વતી પાર્ક સોસાયટી, હાલ રહે. રાપર, કચ્છ )રાપર હોવાની બાતમી મળતા તેઓને પોલીસે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત તેમના પુત્ર તુષાર હિંમતલાલ ઠક્કર (રહે. સરસ્વતી પાર્ક, ડીસા)ને પણ અગાઉ નાર્કોટિક્સના ગુનામાં આજીવન કેદની સજા પડતા તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. તે પેરોલ પર છૂટી નાસી ગયો હતો તેની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કોડની ટીમે રાપર ખાતેથી ઝડપી લઇ પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો.