રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીત અને કલાના કાયમી શિક્ષકોની ભરતી 2010થી બંધ છે. અત્યાર સુધી વ્યાયામ શાળા અને ચિત્ર શિક્ષકોને માનદ વેતન આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 12 વર્ષથી સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવતી ન હતી. આ અંગે શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેથી આખરે શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓમાં કોન્ટ્રાક્ટ આધારિત સંગીત શિક્ષકો ભરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, જિલ્લાઓના ડીપીઓ-ડીઈઓને દર મહિને 9,000ના માનદ વેતન સાથે 1,753 સંગીત શિક્ષકોની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ શિક્ષકોની નિમણૂક 8 ઓગસ્ટ 2022 થી 30 એપ્રિલ 2023 દરમિયાન કરવામાં આવશે.

ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સંગીત શિક્ષકોને પ્રતિ કલાક 50 રૂપિયાનું વધારાનું માનદ વેતન ચૂકવવું પડશે. આ શિક્ષકો દિવસમાં વધુમાં વધુ 6 થી 8 કલાકનો સમય લઈ શકશે એટલે કે માસિક 9 હજાર સુધીનું મહેનતાણું ચૂકવવું પડશે. આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોની વય મર્યાદા 38 વર્ષ નક્કી કરવામાં આવી છે. આવા શિક્ષકોની નિમણૂંકની પસંદગી પે સેન્ટર શાળાઓ દ્વારા કરી શકાય છે. આ શિક્ષકોએ ફરજ આપતી વખતે પહેલા ધોરણ 6 થી 8 અને પછી વર્ગ 1 થી 5 સુધીના કલાકો ફાળવવાના રહેશે. શિક્ષકોની ફાળવણી કરતી વખતે પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન સંગીત શિક્ષકને કોઈ રજા આપવામાં આવશે નહીં.