વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટ સહિત જિલ્લાભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયો..

સ્કુલો, સોસાયટીઓ તથા સ્મશાનગૃહ જેવી અલગ અલગ કુલ-૧૭ જગ્યાઓ પર બનાસકાંઠા જિલ્લા ડીએલએસએ દ્વારા ૨૦૦૦ જેટલાં છોડ વૃક્ષારોપણ માટે મોકલાયા..

           ''૫ મી જુન'' વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આજ રોજ ડીસ્ટ્રીકટ કોર્ટ પાલનપુરના કોર્ટ કમ્પાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી આર.જી.દેવધરા અને હેડકવાર્ટરના તમામ જ્યુડીશીયલ ઓફિસરોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓમાં આવેલ તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રીઓ દ્વારા પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ તાલુકાઓમાં આશરે ૮૦૦ જેટલાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પાલનપુર ખાતે કુલ- ૧૨૦૦ છોડ વાવવામાં આવ્યા હતા આમ મળી કુલ-૨૦૦૦ જેટલાં છોડનું બનાસકાંઠા જિલ્લા ખાતે ડીએલએસએ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

          આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી આર.જી.દેવધરાએ જિલ્લાના નાગરિકોને વિશ્વ પર્યાવરણ દિનની ખુબ શુભેચ્છા પાઠવતાં જવાવ્યું કે, આપણા શહેર પાલનપુરને હરીયાળું બનાવવા માટે લોકો વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનો ઉછેર અને જતન કરે તે ખુબ જરૂરી છે.

           આ ઉપરાંત આજે બનાસકાંઠા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ પાલનપુર દ્વારા વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાની શાળાઓ એસ.બી.એલ શાહુ હાઈસ્કુલ, વિનય વિધામંદિર ગોળા, અનુદાનીત નિવાસી શાળા વિરપુર, એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલ જગાણા, ખસા પ્રાથમિક શાળા, એસ.એલ.દોશી સ્કુલ ખેમાણા, પી.ટી.સી. કોલેજ ચિત્રાસણી, કમલ વિદ્યામંદિર ભુતેડી, નવોદય વિદ્યામંદિર હાઈસ્કુલ મોરીયા, ટી.પી.હાઈસ્કુલ માલણ, સોસાયટીઓ તથા સ્મશાનગૃહ જેવી અલગ અલગ કુલ-૧૭ જગ્યાઓ ઉપર ગુલાબ, જાસુદ, મોગરો વિગેરે જેવા કુલછોડ અને જામફળ, જાંબુ, ચીકુ, સીતાફળ વિગેરે જેવા ફળફળાદીના છોડ તથા લીમડો, ગુલમ્હોર, કરંજ વિગેરે જેવા ઘટાદાર વૃક્ષોના છોડ એમ મળી કુલ- ૧૨૦૦ જેટલા છોડ વૃક્ષારોપણ માટે મોકવામાં આવ્યા છે અને તેનું જતન-ઉછેર થાય તે અંગે પણ સમજણ આપવામાં આવી છે. જેથી કરીને દિન-પ્રતિદિન વાતાવરણમાં વધતા જતા કાર્બનડાયોકસાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટાડવા અને પ્રાણવાયુ (ઓકિસજનનું) પ્રમાણ વધારી કુદરતી ચક્રને સમતુલન રાખવામાં મદદરૂપ બને અને તેનું ખુબ જ સારું પરિણામ પાલનપુરની જનતાને મળે તે હેતુથી પાલનપુર ડી.એલ.એસ.એ. દ્વારા હરહંમેશ પ્રયત્ન કરવામાં આવે છે. શાળામાં ફુલ ઝાડ અને ફળના વૃક્ષો આપવામાં આવ્યા છે. જેથી કરીને શાળાનું વાતાવરણ પ્રફુલીત રહે, જયારે છોડવા મોટા થાય ત્યારે તેની ઉપરના ફળનો લાભ બાળકોને મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ બનાસકાંઠા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ, પાલનપુરના સચિવશ્રી પી. પી. શાહની અખબારી યાદીમાં જણાવ્યું છે.