પાલનપુરના જૂના લક્ષ્મીપુરાના યુવકે પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા જતા ઓનલાઇન રૂપિયા 19.13 લાખ ગુમાવ્યા હતા. આ અંગે તેણે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જૂનાલક્ષ્મીપુરામાં રહેતા અને રાજાજી ગેસ્ટ હાઉસ ધરાવતા મન ભગવાનભાઈ પટેલે 22 મે ના રોજ પેટ્રોલ પંપ બનાવવા માટે ડિલરશીપ લેવાની હોવાથી ઓનલાઈન petrol pumpkskdealership.com પર ફોર્મ ભર્યું હતું. અને જરૂરી માહિતી આપી હતી. બીજા દિવસે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને આકાશ ગુપ્તા તરીકે ઓળખાણ આપી ડિલરશીપ માટે સમજણ આપી હતી.
ત્યારબાદ hpcl.ind.in વેબસાઈટ ઉપર એકાઉન્ટ બનાવી અને વેબસાઈટ ઉપરથી પેટ્રોલપંપનું લાયસન્સ સર્ટિફિકેટ તથા એક જીએસટી નંબર વાળું બિલ મોકલી આપ્યું હતું.અને તે બાદ મન પટેલે જુદાજુદા સમયે જુદાજુદા ખાતામાંથી રૂપિયા 19.13 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જેમને ડુપ્લીકેટ લાયસન્સ સર્ટિફિકેટ તેમજ એપ્રુવલ લેટર મોકલી આપ્યો હતો. જોકે, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.