બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે એક ખેતરમાં બપોરના સમયે આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે બની છે. ખેતરમાં ઘાસચારાના ગોડાઉનમાં જ આગ લાગતા હજારો પૂળા બળીને ખાખ થતા ખેડૂત પરિવારને મોટું નુકસાન થયું છે.
ડીસા તાલુકાના ડાવસ ગામે રહેતા ધર્માભાઈ પટેલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ આજે બપોરના સમયે ઘરમાં હતા. તે સમયે અચાનક ખેતરમાં ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગી હતી. બનાવને પગલે ખેડૂત સહિત પરિવારના તમામ સભ્યો બહાર દોડી આવ્યા હતા. જ્યારે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી રાહત કામગીરી શરૂ કરી હતી. જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રહેલા ઘાસના પુળામાં ભારે આગ લાગી રહી હતી.
આગની ઘટના અંગે જાણ થતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ભર્યા હતા. સતત દોઢ કલાકની ભારે જહેમત બાદ ઘાસચારાના પુળામાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો હતો. જોકે ત્યાં સુધીમાં હજારો ઘાસચારાના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. જેથી ખેડૂત પરિવારને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.