પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવક પર 7 લોકોએ હુમલો કર્યો હતો. ગોગલ્સ, સારાં કપડાં પહેરવા બદલ ગામના શખ્સોએ યુવકને માર માર્યો હતો. તેને છોડાવવા માટે આવેલી માતાને પણ માર મારીને ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ અંગે યુવકે ગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે હુમલો કરનારા પક્ષમાં પણ મહિલાએ પોતાની છેડતી કરાઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષે 11 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોટા ગામના 31 વર્ષીય જિગર કનુભાઈ શેખલિયા (ઉ.વ. 30) 30મી મે 2023ના રોજ સવારે ઘરની બહાર વડલા નીચે બાંકડા ઉપર બેઠો હતો. ત્યારે ગામનો ધુડસિંહ ચેહરસિંહ રાજપૂત ત્યાં આવ્યો હતો. તેણે જિગરને ‘તું સુધરી જજે. હમણાંથી બહુ ઊંચામાં ફરે છે એટલે ગમે ત્યારે જાનથી પતાવી દેશું’ તેવી ધમકી આપી હતી. જે પછી જિગર શેખલિયા રાત્રે સાડા આઠેક વાગે દૂધની ડેરીની બાજુમાં મંદિર આગળ ઊભો હતો ત્યારે ગામના જ સાત શખ્સો લાકડી, ધોકા સાથે ત્યાં આવ્યા હતા.
જેમણે જિગરને “તું સારાં કપડાં પહેરી, ઇન કરી ચશ્માં પહેરી કેમ તૈયાર થઈને નીકળે છે’? તેમ કહી અપશબ્દો બોલી જાતિ અપમાનિત શબ્દો બોલી લાકડી-ધોકા વડે માર માર્યો હતો. દરમિયાન યુવકની માતા છોડાવવા જતા તેમને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ અંગે જિગર શેખલિયાએ ગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખીય છે કે 1 વર્ષ અગાઉ પણ મોટા ગામમાં દલિત યુવક ઘોડા પર ચઢતા પથ્થર મારો કરાયો હતો જેમાં 28 લોકો સામે ગુનો દાખલ થયો હતો.