રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત નો આજે બીજો દિવસ છે, આજે બીજા દિવસે રાજ્યપાલે ભારત- પાકિસ્તાન બોર્ડર નજીકનાં સૂઇગામ તાલુકાના સીમાવર્તી ગામો બોરૂ, મસાલી અને માધપુરાની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આ વિસ્તારના ખેડુતોના પ્રશ્નો અને મુશ્કેલીઓ સાંભળી તે સમસ્યાઓના નિવારણ માટે ઝડપી કાર્યવાહી કરવા જિલ્લા વહીવટીતંત્રને જરૂરી દિશા-નિર્દેશો કર્યા હતા..
રાજ્યપાલ એ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે ગ્રામજ નો સાથે સંવાદ કરી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું..
રાજ્યપાલે જણાવ્યું કે, જળવાયું પરિવર્તન અને રાસાયણિક ખાતરના અંધાધુંધ ઉપયોગને કારણે ધરતી બિનઉપજાઉં બની રહી છે..
રાસાયણિક ખેતીના કારણે કેન્સર જેવા અસાધ્ય રોગો થઇ રહ્યા છે, હોસ્પિટલો દર્દીઓ થી ભરેલી પડી છે ત્યારે રાસાયણિક ઝેરી ખેતીને તિલાજંલિ આપવાનો સમય આવી ગયો છે..
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને ખુબ સારી સફળતા મળી છે..
જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો ભેદ સમજાવતા રાજ્યપાલ એ જણાવ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો વચ્ચે જમીન- આસમાન નો તફાવત છે..
જૈવિક ખેતીમાં અળસીયા વિદેશ થી લાવવવામાં આવે છે અને ઉત્પાદન પણ ઘટે છે જયારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી અને આપણી જ ધરતીના અળસીયા જે રાસાયણિક ખાતરોથી ડરીને નીચે છુપાઈને બેઠા છે તે ઉપર આવશે જેનાથી જમીન ઉપજાઉ બનશે અને ખેડૂતોની આવક પણ વધશે. રાસાયણિક ખાતરથી થતા નુકશાન વિશે વાત કરી ઝેરમુક્ત- પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા રાજ્યપાલ એ કહ્યું કે જમીન ને બિન ઉપજાઉં બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ વિશે લોકોને વિગતવાર માહિતી આપી હતી..
તેમજ રાસાયણિક ખાતર અને જીવામૃત-ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે લોકોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં, ત્રણ ગણી થશે એમ જણાવી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો..
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટની બજાર માંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય અને તેનાથી થતા લાભો બાબતે સરહદી ગામોના લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 10-10 ગામોના ક્લસ્ટર બનાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે..
આ તાલીમ મેળવનાર પ્રત્યેક ખેડૂતને રૂ.1000- આપવામાં આવશે. આપણા બાળકોને સારુ શિક્ષણ અને સારા સંસ્કારો આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ તથા ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી આવતીકાલની પેઢીને સુખી, સમૃદ્ધ જીવનની ભેટ આપવા સંકલ્પબદ્ધ બનવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું..
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી એ જણાવ્યું કે, આપણા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવા અને આ સીમાવર્તી વિસ્તારના પ્રશ્નો સાંભળવા આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે તેમનું સ્વાગત કરતા રાજીપો વ્યક્ત કરું છું. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્ય સરકારને રાજ્યપાલ નું સતત માર્ગદર્શન મળતું રહે છે જેનાથી પ્રાકૃતિક ખેતીનો વિકાસ થઈ રહ્યો છે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે, ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે, મીઠું પકવાતા ખેડૂતોને જમીન ભાડા પટ્ટેથી આપવામાં આવે, બોરૂ ગામમાં માધ્યમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા, માધપુરા ગામમાં આવાસ ફાળવવા અને પેટા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સહિત ના પ્રશ્નો ગ્રામજનોએ રજૂ કર્યા હતા. આ પ્રશ્નોનું ખુબ ઝડપથી હકારાત્મક નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરએ રાજ્યપાલ સમક્ષ ખાતરી આપી હતી..