બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી બાતમીના આધારે બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે ગેડીયા ગામે રહેતા સોહરબખાન બીસ્મીલાખાન મલેકના માલિકીના નર્મદા કેનાલ પાસે આવેલા ખજૂરીવાળા ખેતરમાં દરોડો પાડ્યો હતો. ત્યારે આરોપી તો ખેતરમાં મળી આવ્યો નહોતો.જ્યારે બજાણા પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- 115 કિંમત રૂ. 34,500 અને વિદેશી દારૂના ચપલા નંગ- 164 કિંમત રૂ. 16400 અને XUV ગાડી કિંમત રૂ. 7,00,000 મળી કુલ રૂ. 7,50,900નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. જ્યારે ગેડીયાનો આરોપી સોહરબખાન બીસ્મીલાખાન મલેક હાજર મળી ન આવતા એના વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, અમરદીપસિંહ અને સાજનભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.