બનાસકાંઠાના ડીસામાં મોબાઇલ ફોન પર સતત વ્યસ્ત રહેલા લોકો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડીસા તાલુકાના વડાવળ રેલવે ફાટક નજીક રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે.

જ્યાં મધ્યપ્રદેશના જાબુંઆ જિલ્લાના ખેડી ગામનો 18 વર્ષીય અરવિંદ બાબુભાઇ ગુડિયા નામનો યુવક પણ મજૂરી કામ કરી રહ્યો હતો અને તે દરમ્યાન તે મોબાઇલ પર ફોન આવતા વાત કરવા લાગ્યો હતો અને તે વાત કરતા કરતા રેલવેની ડબલ લાઇન વચ્ચે ચાલી રહ્યો હતો.

તે સમયે ડીસાથી ભીલડી તરફ જઈ રહેલી પેસેન્જર રેલવેનો અવાજ ન સાંભળાતા યુવક રેલવેની અડફેટે આવી ગયો હતો. રેલવેની ટક્કર વાગતા શ્રમિક અરવિંદ ગુડિયાને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ બનાવની જાણ થતા ભીલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશને ભીલડી સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે પી.એમ કરાવી લાશ વાલી વારસોને સોપી હતી. અકસ્માત અંગે ગુનો નોંધી ભીલડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

મજુરી કામ મળી રહે અને પરિવારનું ગુજરાન ચલાવી શકાય તે માટે મધ્યપ્રદેશનો યુવક અહીં મજૂરી કામ માટે આવ્યો હતો પરંતુ અહીં પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતા માતમ છવાયો હતો.