બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં કાર્યરત છે.જે પશુપાલકો માટે સંજીવની બન્યા છે. પશુપાલકોના એક કોલ થી ઇજાગ્રસ્ત કે ગંભીર બીમારીમાં સપડાયેલા પશુઓ- ઢોર ઢાંખર ને સારવાર આપી નવજીવન આપતું ફરતું પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બન્યા છે.
થરાદ તાલુકાના પદાડર ગામમાંથી ગુજરાત સરકારના ૧૯૬૨ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર ઇમરજન્સી કોલ મળેલ કે કાનભાઈ રબારી ના ઘરે ઘેટી નું વિયાણ થયું છે. પરંતુ ઘેટીના બચ્ચાને જન્મથી જ મળદ્વાર ( એત્રેસીયા એની ) ન હતો. એની ખબર પડતા કાનભાઈએ ૧૯૬૨ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કર્યો હતો. અને પોતાની હકીકત જણાવી હતી. જેથી ફરતું પશુ દવાખાનું ત્યાં પહોંચી ને તાત્કાલિક ઓપરેશન કરી ને નાના બચ્ચા ને એક નવું જીવનદાન આપ્યું હતું.
દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ સંજયભાઈ કુંભાર અને પાયલોટ કમ ડ્રેસર ભરતસિંહ ડોડીયા તેમજ અન્ય તબીબો દ્વારા તાત્કાલિક એક-બે કલાકની જહેમત ઉઠાવીને ઓપરેશન કરીને ટાંકા લઈને ઘેટીના બચ્ચાનું સફળ ઓપરેશન કર્યું હતું. પશુપાલક અને ગ્રામજનોએ ગુજરાત સરકારની દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં દ્વારા ઘેટાના બચ્ચાને બચાવી લેતા સરકારની આ સેવાનો આભાર માન્યો હતો. તેમજ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર હાર્દિક બારોટ અને પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગ્રામજનો આ સેવાનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.