દાંતીવાડા તાલુકાના આરખી ગામ પાસે બે ટ્રેલર ટકરાતા એક ટ્રેલરનો ડ્રાઇવર નીચે પડી જતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આરખી ગામ પાસે ડીસા-ગુંદરી સ્ટેટ હાઇવે પર રાજસ્થાન તરફથી આવતા અને પાંથાવાડા તરફથી આવતા ટ્રેલર ટકરાતા ધડાકો થતાં ટ્રેલરનું ટાયર ફાટી ગયું હતું.

ટ્રેલરના આગળના ભાગને ફુરચેફુરચા ઉડી ગયા હતા. જેમાં એક ટ્રેલરમાંથી ડ્રાઇવર નીચે પડી જતા ગંભીર ઘાયલ થતાં લોહીલુહાણ થયો હતો. ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે એક ટ્રેલર હાઇવે નજીક ઉભેલ વીજ થાંભલાને તોડીને ખેતરમાં ઘૂસી ગયું હતું.ચાલકને 108 માં પાંથાવાડા રેફરલ હોસ્પિટલ બાદ તેને વધુ સારવાર માટે પાલનપુરમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ લખાઈ રહ્યું ત્યાં સુધી ફરિયાદ નોંધાઈ નથી.