પાવીજેતપુર તાલુકાના નાની રાસલી રોડ ઉપર બે બાઈકો ભટકાતા એક બાઈક ચાલક ફંગોળાઈને ટેમ્પાની એંગલ સાથે અથડાતા ઘાયલ

               પાવીજેતપુર તાલુકાના નાની રાસલી રોડ ઉપરથી પસાર થતાં બે બાઈક ચાલકો સામ સામે ભટકાતા એક બાઈક ચાલક પોતાની બાઈક સાથે ફંગોળાઈને રોડની કિનારી ઉપર ઉભેલ ટેમ્પાની એન્ગલ સાથે અથડાતા કપાળના ભાગે ફેકચર તથા પગના તળિયે ગંભીર ઇજાઓ થવા પામી છે. 

             પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના પાલિયા ગામના રહીશ સંતોષભાઈ મંગાભાઈ રાઠવા ૧૩ મે ના રોજ પાવીજેતપુર ગામે કામ અર્થે આવેલ, કામ પતાવી સંતોષભાઈ પોતાની બાઈક ઉપર પાલીયા ગામે પોતાને ઘરે જઈ રહ્યા હતા તે સમયે નાની રાસલી ગામે રોડ ઉપર થઈ પસાર થતા હતા ત્યારે સામેથી એક બાઈક ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા બંને બાઈકો સામ સામે ભટકાઈ હતી, સંતોષભાઇ બાઈક સાથે દૂર ફંગોળાઈ જઇ, રોડની કિનારીએ અડચનરૂપ ઉભેલ એક ટેમ્પા સાથે ડીજેના સ્પીકર સાથે બાંધેલ લોખંડની એંગલો સાથે ભયંકર રીતે અથડાઈ ગયેલ, જેમાં સંતોષભાઈના કપાળ ઉપર ફેક્ચર થઈ જવા પામ્યું હતું. તેમજ જમણા પગના તળિયે ગંભીર ઇજાઓ થવા પામી છે. ૧૦૮ માં તાત્કાલિક બોડેલી લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. 

              આમ, પાવીજેતપુર તાલુકાના નાની રાસલી રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતાં પાલીયાના સંતોષભાઈ રાઠવા ને ગંભીર ઇજાઓ થવા પામી છે તેથી સંતોષભાઈએ સામેના બાઈક ચાલક પિયુષભાઈ જ્યોતિષભાઈ રાઠવા ( રહે. ખાંડીયા અમાદર,તા. પાવીજેતપુર ) તેમજ ટેમ્પા ચાલક વિરોધ ફરિયાદ કરવામાં આવી છે. જે અંગે પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.